પોતાના પરિવારના સભ્યને ઓસ્ટ્રેલિયા બોલાવવા માંગતા માઇગ્રન્ટ્સની અરજી પર કોઇ નિર્ણય આવતા સરેરાશ 56 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ઇમિગ્રેશન એન્ડ વિસા સર્વિસના પ્રતિનિધીએ સેનેટ એસ્ટિમેટ્સમાં તાજેતરમાં વિવિધ વિસા ક્લાસ અને તેના નિર્ણયમાં લાગતા સમયની વિગતો રજૂ કરી હતી.
આસિસ્ટન્ટ સેક્રેટરી પેટા ડને જણાવ્યું હતું કે વિવિધ વિસા સબક્લાસમાં અલગ અલગ પ્રકારનો સમય લાગી રહ્યો છે.
ક્યાં વિસાની અરજીમાં કેટલો સમય
- 75 ટકા પાર્ટનર વિસાની અરજી પર 14થી 21 મહિનાનો સમય
- 75 ટકા ચાઇલ્ડ વિસાની અરજી પર 10થી 12 મહિનાનો સમય
- કંટ્રીબ્યૂટરી પેરેન્ટ્સ, જે 47,455 ડોલર ભરે તેમની વિસા અરજી પર 45 મહિનામાં નિર્ણય આવે છે
- નોન-કંટ્રીબ્યૂટરી પેરેન્ટ્સ વિસાની અરજીના ચૂકાદા માટે 30 વર્ષ રાહ જોવી પડી શકે છે
- ફેમિલી મેમ્બર એટલે કે "other family" વિસાની અરજી માટે 56 વર્ષ જેટલી રાહ જોવી પડે છે
ઇમિગ્રેશન વિભાગ પાસે વર્તમાન સમયમાં 49,983 નોન-કંટ્રીબ્યૂટરી પેરેન્ટ્સ એપ્લિકેશન તથા 8,111 "other family" વિસા માટેની અરજીઓ છે.
ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશીપ સર્વિસના એક્ટિંગ ડેપ્યુટી સેક્રેટરી લ્યુક મેન્સફિલ્ડે સેનેટ એસ્ટિમેટને જણાવ્યું હતું કે સરકાર દ્વારા માઇગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરવાના કારણે વિસા અરજીઓ પર નિર્ણય આવવામાં સમય લાગી રહ્યો છે.
Greens Senator Nick McKim. Source: AAP
'56 વર્ષ ઘણો લાંબો સમય'
સેનેટ એસ્ટીમેટ્સમાં 56 વર્ષના પ્રતિક્ષા સમયને રજૂ કરનારા ગ્રીન્સના સેનેટર નિક મેકકિમે જણાવ્યું હતું કે 56 વર્ષ જેટલો સમય એ ખૂબ જ વધુ સમય છે.
પરિવાર એકસાથે હળીમળીને રહી શકે તે માટે તેમણે દશકો સુધી રાહ જોવી પડે તે ખૂબ જ નિરાશાનજક છે.
ફેડરેશન ઓફ એથનિક કમ્યુનિટીસ કાઉન્સિલ્સના સીઇઓ મોહમ્મદ અલ-ખફાજીએ જણાવ્યું હતું કે, પોતાની અરજી પર ચૂકાદો આવે તે પહેલા તો પરિવારના સભ્યો મૃત્યુ પણ પામી શકે છે. જોકે, સેનેટ એસ્ટીમેટ્સમાં રજૂ કરવામાં આવેલા તથ્યો અને આંકડા કંઇ નવા નથી. વર્ષોથી માઇગ્રન્ટ્સ ફેમિલી વિસા માટેની અરજીઓ પર કોઇ નિર્ણય આવે તેની રાહ જોઇ રહ્યા છે.
ફેમિલી વિસામાં ઘટાડો
ગયા અઠવાડિયે સરકારે દેશનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે વર્ષ 2019-20 માટે ઓસ્ટ્રેલિયાના વાર્ષિક માઇગ્રેશનની સંખ્યાં 190,000થી ઘટાડીને 160,000 કરવાની જાહેરાત કરી હતી.
અગાઉ એક વર્ષમાં 60,750 ફેમિલી વિસા મંજૂર થતા હતા જેમાં પણ ઘટાડો કરીને તેને 47,732 જેટલા કરવામાં આવ્યા છે.
સેનેટર મેકકિમે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી 13000 જેટલા પરિવારો પોતાના પરિવારજનોને મળવાથી વંચિત રહી જશે.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે આ બાબતે સંપર્ક કરાતા કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો.