ભારતીય માઇનિંગ કંપની અદાણીને ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ સરકારે દંડ ફટકાર્યો છે.
કંપની પર સરકારે ફેબ્રુઆરીમાં ક્વિન્સલેન્ડ રાજ્યમાં પડેલા વરસાદ વખતે પ્રદુષણ ફેલાવવાનો આરોપ મૂકીને લગભગ 13,000 ડોલર જેટલો દંડ કર્યો છે.
એબોટ્ટ પોઇન્ટ કોલ પોઇન્ટમાંથી કેલી વેલીમાં પ્રમાણ કરતા વધુ કચરો ઠાલવવા બદલ પોર્ટની એન્વાયરમેન્ટ ઓથોરિટીએ અદાણી પર પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો અને કંપનીને દોષિત ઠેરવી 13055 ડોલરનો દંડ કર્યો હતો.
મેકેય કન્ઝર્વેશન ગ્રૂપના જણાવ્યા પ્રમાણે, કેલી વેલી ક્વિન્સલેન્ડના સુંદર પટમાંનો એક છે. ત્યાં લગભગ 200થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. તેથી તેની જાળવણી કરવી જરૂરી છે.
અદાણીને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બીજી વખત દંડ કરવામાં આવ્યો છે.
અદાણીએ વાતાવરણનું કારણ ધર્યું
અદાણીએ ક્વિન્સલેન્ડ સરકાર તરફથી દંડ ફટકારાયો હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ તેમણે ખરાબ વાતાવરણ અને પૂરનું કારણ આગળ ધર્યું હતું.
એબોટ્ટ પોઇન્ટ ખાતે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ઉત્તર ક્વિન્સલેન્ડમાં ફેબ્રુઆરી મહિનામાં પૂર આવ્યું હતું અને ડિસેમ્બર 2018થી અત્યાર સુધીમાં એબોટ્ટ પોઇન્ટ ખાતે જ લગભગ 900 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઇ ગયો છે."
"ખરાબ વાતાવરણ હોવા છતાં પણ અમારી ટીમે ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્કમાં પૂરનું પાણી પ્રવેશી ન જાય તેની કાળજી રાખી હતી. કેલી વેલી વિસ્તારને પણ કોઇ નુકસાન ન થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી," તેમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.