ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના દુનિયામાં ઘણા પ્રશંસકો છે.
તે જ્યાં પણ મેચ રમવા માટે જાય છે પ્રશંસકો તેને ઘેરી વળે છે અને ઓટોગ્રાફ તથા સેલ્ફીની માગણી કરે છે. ધોની પણ તેમને મોટાભાગે નિરાશ ન કરીને ઓટોગ્રાફ આપે છે.
ધોની હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન-ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયામાં છે અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ સમયે તેને મળવા 87 વર્ષના મહિલા પ્રશંસક આવ્યા હતા. ધોની તેમને મળ્યો અને તેમને આનંદિત કરી દીધા હતા.ક્રિકેટ ન્યૂઝ વેબસાઇટ CricTracker માં છપાયેલા રીપોર્ટ પ્રમાણે, ધોની પરસેવે રેબઝેબ હોવા છતા પણ 87 વર્ષના મહિલા પ્રશંસકની મુલાકાત કરી હતી.
Source: AAP Image/AP Photo/Kirsty Wigglesworth
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં દેખાય છે કે ધોની તેમની સાથે બેસે છે અને બંને જણા વાતો કરે છે. ત્યાર બાદ તેમને ઓટોગ્રાફ આપીને ફોટો પણ પડાવે છે.
આ પ્રથમ વખત નથી કે વિશ્વના મહાનત્તમ કેપ્ટનમાં સામેલ ધોની તેના પ્રશંસકને આનંદિત કરી દીધા હોય. અગાઉ પણ તેણે પોતાની કારકિર્દીમાં હજારો પ્રશંસકોને ઓટોગ્રાફ આપ્યા છે. પરંતુ વૃદ્ધ મહિલા પ્રશંસક સાથેની આ મુલાકાત ક્રિકેટ વર્તુળ તથા ઇન્ટરનેટ પર ખાસ્સી ચર્ચાઇ છે.