ન્યૂ સાઉથ વેલ્સના સિડની શહેર અને તેની આસપાસના હાઇવે પર રાજ્યની ટ્રાફિક પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું અને છેલ્લા વીકએન્ડ દરમિયાન પોલીસે આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ કરતા હોય તેવા 260 ડ્રાઇવર્સને પકડ્યાં હતા.
ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાફીક પોલીસે શુક્રવારે 6 સપ્ટેમ્બરથી શનિવારે 7મી સપ્ટેમ્બર શનિવાર સુધી રાજ્યના વિવિધ હાઇવે પર ઓપરેશન નેબ્ડ હાથ ધર્યું હતું.
75,000 જેટલા બ્રેથ ટેસ્ટ કરાયા
પોલીસે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દિવસ રાત્રે 9 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી M2, M4, M5, M7, M1 અને પ્રીન્સેસ હાઇવે પર ધરવામાં આવેલા ઓપરેશનમાં 75,000 જેટલા બ્રેથ ટેસ્ટ (શ્વાસનું પરીક્ષણ) કરવામાં આવ્યા હતા.ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં પોલીસે M4 પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઇકચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ઉભો રહ્યો નહોતો.
NSW Police patrol on the highway Source: nswpolice
પોલીસે ત્યાર બાદ બાઇકને પ્રોસ્પેક્ટ હાઇવે પરથી જપ્ત કર્યું હતું. જ્યાં ડ્રાઇવરે તેને ઝાડીમાં મૂકી દીધું હતું. થોડી વાર પછી, પોલીસે ડ્રાઇવરની પણ ધરપકડ કરી લીધી હતી અને તેને વેસ્ટમીડ હોસ્પિટલમાં ચેક-અપ માટે દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે વિવિધ ચાર્જ દાખલ કર્યા
પોલીસે 32 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ કરી હતી અને તેની પર ભયજનક રીતે વાહન ચલાવવું, ડ્રાઇવિંગ લાઇસન્સ વર્ષ રદ હોવા છતાં પણ વાહન ચલાવવા જેવા ગુના દાખલ કર્યા હતા.
6 અને 7 સપ્ટેમ્બર 2019 દરમિયાન કરવામાં આવેલા "ઓપરેશન નેબ્ડ"ના આંકડા
- બ્રેથ ટેસ્ટ :- 75574
- ડ્રીન્ક ડ્રાઇવિંગ :- 260
- ટ્રાફીક ચાર્જ :- 119
- ટ્રાફીકનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ :- 1928
ન્યૂ સાઉથ વેલ્સ સેન્ટર ફોર રોડ સેફ્ટી એક્સીક્યુટીવ ડીરેક્ટર, બર્નાન્ડ કાર્લોને જણાવ્યું હતું કે રાજ્યના રોડ પર કોઇ પણ પ્રકારની ગેરવર્તણૂક સાંખી લેવામાં આવશે નહીં.
ડ્રાઇવર્સે એ જોવું જોઇએ કે આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ કરવાથી તેઓ પોતાનો અને અન્ય નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.