સિંગાપોર ખાતે એશિયન કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને એકબીજા સાથે મુલાકાત કરી હતી.
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટ મોરિસનને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયા વિકાસ કરે તથા બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઇ રહેલા ભારતીય નવલ કમાન્ડરને નડેલા અકસ્માત બાદ ઓસ્ટ્રેલિયન નેવી દ્વારા તેની મદદ તથા તેને બચાવવાની કામગીરીની પ્રશંસા કરી હતી અને ઓસ્ટ્રેલિયન સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં જ ભારતીય કમાન્ડરને બચાવનારી ટીમને મળ્યા હતા અને તેઓ પ્રધાનમંત્રી મોદીનો આભાર ટીમ સુધી પહોંચાડશે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોરિસને ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકો દ્વારા અહીંના સમાજમાં અપાઇ રહેલા યોગદાનની પ્રશંસા કરી હતી અને દિવાળીના તહેવારને યાદ કર્યો હતો.
બંને દેશના પ્રધાનમંત્રી વચ્ચે વેપારને લગતા કેટલાક મુદ્દાઓ અંગે ચર્ચા થઇ રહતી. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી મોરિસને નરેન્દ્ર મોદીને ખાંડની સબસિડી પર લગામ લગાવવાની વિનંતી કરી હતી.
મોરિસનના જણાવ્યા પ્રમાણે, "ભારત તરફથી મળતી સબસિડીના કારણે વૈશ્વિક બજારમાં ખાંડની કિંમત ઘટી રહી છે જેના કારણે વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે. આ મુદ્દો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બહાર બંને દેશ આપસમાં મળીને ઉકેલે તે વધારે જરૂરી છે."
ઉલ્લેખનીય છે કે, ભારતીય ઉત્પાદકો લગભગ 850 મિલિયન અમેરિકન ડોલરનું પેકેજ સબસીડી રૂપે મેળવી રહ્યા છે જેના કારણે ખાંડની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે અને તે ઓસ્ટ્રેલિયામાં તેના ઉત્પાદનની કિંમત કરતાં પણ ઘટી ગઇ છે.
ઓસ્ટ્રેલિયાના ટ્રેડ મિનિસ્ટર સાઇમન બર્મિંગહામના જણાવ્યા પ્રમાણે, "મેં ઘણી વખત ભારતીય સરકારને આ મુદ્દે વાત કરી છે અને મને આશા છે કે આ મુદ્દાનો ઉકેલ આવશે."
"ઓસ્ટ્રેલિયાના ખાંડના ઉત્પાદકોને યોગ્ય વળતર મળી રહે તે જરૂરી છે," તેમ સાઇમન બર્મિંગહામે ઉમેર્યું હતું.