જો તમને કોઇ રમત ગમતી હોય, તો તમે ભલે કોઇ બીજા દેશમાં સ્થાયી થાઓ પણ તે રમત પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો થતો નથી. તમે તે રમત જ્યાં પણ રમવા માંગતો હોય તે રમી શકો છો.
મેલ્બોર્ન સ્ટાર્સ દ્વારા રમાનારા મલ્ટીકલ્ચરલ કમ્યુનિટી ક્રિકેટ લીગમાં ઘણા એવા ખેલાડીઓ છે કે જેઓએ ભૂતકાળમાં ઘણી જ તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને હાલમાં આ લીગ દ્વારા પોતાના મૂળવતનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
SBS Gujarati એ એવા કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓ શોધ્યા છે કે જેઓ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા બાદ ફક્ત ક્રિકેટ રમી જ નથી રહ્યા પરંતુ તેમાં સફળતા પણ મેળવી રહ્યા છે.
આવો જોઇએ, એવા કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ અને તેમની મૂળવતનથી ઓસ્ટ્રેલિયા સુધીની ક્રિકેટની સફર વિશે...
Image
નાજી, અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા આતુર
ક્વેટા, પાકિસ્તાનના નાજીને પોતાના દેશમાં પ્રવર્તી રહેલી કેટલીક ખરાબ પરિસ્થિતિઓના કારણે પરિવાર સાથે પ્રોટેક્શન વિસા પર ઓસ્ટ્રેલિયા આવવું પડ્યું હતું. તે, તેની માતા તથા બે બહેનો સાથે ફેબ્રુઆરી 2014માં ઓસ્ટ્રેલિયા આવ્યો હતો.
નાજી હાલમાં મેલ્બોર્ન સ્ટાર્સ મલ્ટિકલ્ચલર ક્રિકેટ લીગમાં પોતાના પિતાના મૂળ વતન અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
SBS Gujarati સાથેની વાતચીતમાં નાજીએ ક્રિકેટમાં પોતાની સફર અંગે જણાવ્યું હતું કે, "મેં છ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું પરંતુ તે ફક્ત શોખ માટે જ હતું."
"હું જ્યારે અહીં ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારે પણ મારો રમત પ્રત્યેનો પ્રેમ જરાય પણ ઓછો થયો નહોતો. હું કોઇ પણ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માગતો હતો પણ કોઇ મને માર્ગદર્શન આપે તેમ નહોતું. એક વખત મેં મારા સ્કૂલના મિત્રોને ક્રિકેટ રમતા જોયા અને હું તેમની ટીમમાં જોડાયો. ત્યાર બાદ મેં, મારા માતા - પિતાને મને પ્રોફેશનલ ક્રિકેટ રમવા માટે રાજી કર્યા."
"ત્યાર બાદથી હું કેટલીક ક્લબ તરફથી ક્રિકેટ રમી રહ્યો છું અને મેં ક્રિકેટમાં મારી પ્રતિભા વધારે નીખારી છે."
નાજીએ શેપર્ટન તરફથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ તે બે વર્ષ ડાન્ડેનોંગ વેસ્ટ ક્રિકેટ ક્લબ તરફથી રમ્યો હતો. ત્યાં તેને ઓલ નેશન્સ ક્રિકેટ કાર્યક્રમ કે જે એવા ખેલાડીઓ માટે છે કે જેઓ અહીં આશ્રય શોધતા હોય અને પોતાનું મૂળ વતન છોડીને અહીં ઓસ્ટ્રેલિયામં સ્થાયી થયા હોય તે અંગેની જાણકારી મળી.
તે છેલ્લા બે વર્ષથી ઓલ નેશન્સ સોશિયલ ક્રિકેટ તરફથી રમી રહ્યો છે. તેણે 30 રનમાં ચાર વિકેટના તેના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે અત્યાર સુધીમાં કુલ 60 વિકેટ ઝડપી છે.
શિવા શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે
શિવા, શ્રીલંકાનો એક અન્ય પ્રતિભાશાળી ખેલાડી વર્ષ 2012માં તેના કાકા સાથે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. ક્રિકેટ સાથેનો તેનો પ્રેમ 9 વર્ષની ઉંમરથી શરૂ થયો હતો. તેના મૂળવતન શ્રીલંકાના બાટીકાલોઆ પ્રાન્તમાં તે વિવિધ ક્લબ માટે ક્રિકેટ રમતો હતો.
શિવાએ જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ પણ હું ક્રિકેટ રમવા માગતો હતો પરંતુ મને યોગ્ય માહિતી મળતી નહોતી. એક દિવસ મારા કેસ મેનેજરે મને સનશાઇન હાઇટ્સ ક્રિકેટ ક્લબમાં જોડાવાની સલાહ આપી.
"મેં તેમના સિલેક્શનમાં ભાગ લીધો અને પસંદ થયો ત્યારથી હું આ ક્લબ માટે ક્રિકેટ રમી રહ્યો છું."
22 વર્ષનો શિવા જમણા હાથે બેટિંગ કરે છે. તે સનશાઇન હાઇટ્સ ક્રિકેટ ક્લબમાં 2013માં જોડાયો હતો અને ત્યાર બાદથી અત્યાર સુધીમાં તેણે વિવિધ સ્પર્ધામાં 15 અડધી સદી ફટકારી છે. ક્રિકેટ માટેની તેની મહેનત અને લગનના કારણે તે અત્યારે ઓસ્ટ્રેલિયામાં મલ્ટિકલ્ચરલ ક્રિકેટ લીગમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
જેટલા પણ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં પ્રોટેક્શન વિસા હેઠળ સ્થાયી થયા છે તેમાંથી મોટાભાગના ખેલાડીઓએ ઓલ નેશન્સ સોશિયલ ક્રિકેટ કાર્યક્રમ હેઠળ ક્રિકેટની રમત સાથે જોડાયા છે.ઓલ નેશન્સ સોશિયલ ક્રિકેટ કાર્યક્રમ અને તેના ધ્યેય વિશે વાત કરતા સ્પોર્ટ્સ ફોર ઓલ કમ્યુનિટી એમ્બેસેડર અબ્દુલ રઝ્ઝાકે SBS Gujarati ને જણાવ્યું હતું કે, "અમે અન્યાયનો સામનો કરી રહેલા લોકોને ક્રિકેટ સાથે જોડાવાની તક આપીએ છીએ, જેથી તેઓ પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ દર્શાવી શકે."
Sport for All Community Ambassador Abdul Razzaq. Source: SBS Gujarati
"અમારો મુખ્ય ધ્યેય માનસિક રીતે દબાણ અનુભવતા લોકોને સમાજ સાથે જોડવાનો છે. ક્રિકેટની રમત અપનાવીને તેઓ નવા દેશમાં પોતાની જાતને સેટ કરી શકે છે. "
પોતાના મૂળવતનમાં વણસી રહેલી પરિસ્થિતિને કારણે જે લોકો અહીં ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છે તેમાંથી મોટાભાગના લોકોએ આ કાર્યક્રમ દ્વારા ક્રિકેટની રમતને અપનાવી છે.
રઝ્ઝાકના જણાવ્યા પ્રમાણે, "અત્યારે આ કાર્યક્રમમાં 50થી 60 ખેલાડીઓ ડોન્ટ ગીવ અપ, ગીવ બેકના સૂત્ર સાથે ક્રિકેટ રમી રહ્યા છે."