કોરોનાવાઇરસની મહામારી બાદ ઓસ્ટ્રેલિયન અર્થતંત્રને ફરીથી વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય સરકારે વર્ષ 2021–22ના નાણાકિય વર્ષ માટે બજેટ રજૂ કર્યું હતું.
કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે મંગળવારે કેન્દ્રીય બજેટ પ્રસ્તુત કર્યું હતું. જે અંતર્ગત કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને આગામી નાણાકિય વર્ષ માટે વિવિધ યોજનાઓમાં વધુ ફંડની જાહેરાત સાથે કેટલાક મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા હતા.
મંગળવારે રજૂ કરાયેલા બજેટમાં એજ કેર, મેન્ટલ હેલ્થ અને ડિસેબિલીટી સપોર્ટમાં વધુ ફંડ આપવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત આ ત્રણેય ક્ષેત્રોને 33 બિલિયન ડોલર ફાળવવામાં આવશે.
ફ્રાયડબનર્ગે દેશની સરહદો વર્ષ 2022ના મધ્ય સુધી બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
ઓસ્ટ્રેલિયાનું દેવું
ફ્રાયડનબર્ગે જણાવ્યું હતું કે કોરોનાવાઇરસની ઓસ્ટ્રેલિયન અર્થતંત્રને મોટી અસર પહોંચી છે. જેના કારણે વર્તમાન વર્ષમાં ઓસ્ટ્રેલિયાની કુલ ખાધ 161 બિલીયન ડોલર થશે. પરંતુ, છેલ્લા કેટલાક મહિનામાં વધુ લોકો નોકરી પર પરત ફરતા તે ગયા વર્ષના અનુમાનથી 52.7 બિલીયન ડોલર ઓછી રહેશે.
ટેક્સ
- ઓસ્ટ્રેલિયામાં ઓછી કે મધ્યમ આવક મેળવતા 10 મિલિયનથી પણ વધુ લોકો માટે ટેક્સમાં રાહતની જાહેરાત કરી હતી.
- જે અંતર્ગત વ્યક્તિ દીઠ 1080 ડોલર તથા દંપતિ દીઠ 2160 ડોલરનો ફાયદો થશે.
- આ ઉપરાંત સરકારે, વેપાર ઉદ્યોગો દ્વારા ખરીદવામાં આવેલી લાયક મિલકતોનો જે વર્ષમાં તેનો વપરાશ શરૂ કરાયો હોય તે નાણાકિય વર્ષમાં ઘસારાની સંપૂર્ણ રકમ મેળવી શકાશે. આ યોજનાનો લાભ 30 જૂન 2023 સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. જેનો લાભ દેશના 99 ટકા જેટલા વેપાર ઉદ્યોગોને મળશે. જેથી વેપાર - ઉદ્યોગો વધુ લોકોને નોકરી આપી શકશે તેવો ફ્રાયડનબર્ગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
- પાંચ બિલિયન ડોલર સુધીનું ટર્નઓવર કરતી કંપની વર્ષ 2018-19માં નફા પર આપવામાં આવેલો ટેક્સ વર્ષ 2019થી 2023 સુધીના દરેક વર્ષોમાં થયેલી ખોટ સામે પરત મેળવી શકાશે.
મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે, 37,000થી ઓછી આવક ધરાવતા લોકોને 225 ડોલર, જ્યારે 37001થી 48,000 ડોલર સુધીની આવક ધરાવતા લોકોને મહત્તમ 1080 ડોલર, ઓછાથી મધ્યમ આવક ધરાવતા લોકોને વ્યક્તિગત 1080 ડોલર સુધીનું રીફંડ આપવાનો નિર્ણય વધુ એક વર્ષ સુધી લંબાવ્યો છે. જે સામાન્ય આવક ધરાવતા લોકો માટે રાહતના સમાચાર છે.
બીજી તરફ, કોરોનાવાઇરસના કારણે અસર પામેલા વેપાર- ઉદ્યોગો માટે સરકારે મિલકતમાં ધસારાની સંપૂર્ણ રકમ પરત મેળવવાના લાભને લંબાવ્યો છે. જે વેપાર- ઉદ્યોગો માટે વધુ સારા સમાચાર છે.
એજ કેર
- ટ્રેઝરરે એજ કેર સુવિધામાં આગામી 5 વર્ષ માટે 17.7 બિલીયન ડોલરના ફંડની જાહેરાત કરી હતી.
- જે અંતર્ગત 80,000 નવા હોમ કેર પેકેજીસનો સમાવેશ કરવામાં આવશે. દેશમાં કુલ 275,000 હોમ કેર પેકેજીસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ઘરે જ રહેવાની ઇચ્છા ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે 7.5 બિલીયન ડોલર ફાળવવામાં આવશે.
- એજ કેર સુવિધાની ગુણવત્તા તથા સુરક્ષા વધે તે માટે 1 બિલીયન ડોલરની જાહેરાત કરાઇ છે.
- એજ કેર સુવિધાનો ઉપયોગ કરતા રહેવાસીઓને વધુ યોગ્ય સર્વિસ ઉપલબ્ધ થાય તે અંતર્ગત ટ્રેનિંગ માટે વધુ 33,000 જગ્યાઓ ફાળવવામાં આવશે.
- એજ કેરમાં વધુ પારદર્શક રીતે કાર્ય થાય તે માટે 700 મિલીયન ડોલરની જાહેરાત કરવામાં આવી છે.
Australian Prime Minister Scott Morrison and Treasurer Josh Frydenberg. Source: AAP Image/Mick Tsikas
માનસિક સ્વાસ્થ્ય
- કેન્દ્રીય સરકારે માનસિક સ્વાસ્થ્યને લગતી સુવિધામાં વધુ સુધારો કરવા માટે આત્મહત્યા રોકવાના કાર્યક્રમોમાં જંગી ફંડની જાહેરાત કરી છે.
- જે અંતર્ગત નેશનલ નેટવર્ક માટે 1.4 બિલીયન ડોલર ફાળવવામાં આવશે. જેમાં 57 માનસિક આરોગ્ય સેન્ટર શરૂ કરાશે.
- આ ઉપરાંત, માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા રોકવાના કાર્યક્રમો માટે 2.3 બિલીયન ડોલર ફાળવવામાં આવશે.
- ટ્રેઝરરે નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન ઓફિસને 12.8 બિલીયન ડોલર ફાળવવાની જાહેરાત કરી હતી. જ્યારે નેશનલ સ્યૂસાઇડ પ્રિવેન્શન લીડરશિપ એન્ડ સપોર્ટ પ્રોગ્રામને 61.6 મિલીયન ડોલરની જોગવાઇ કરવામાં આવી છે.
- ઘરેલું અને પારિવારીક હિંસાનો સામનો કરતી મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય માટે 17.1 મિલીયન ડોલરની પણ જાહેરાત કરવામાં આવી છે.
મહિલા સુરક્ષા
- કેન્દ્ર સરકારે વર્ષ 2021-22 માં મહિલા સુરક્ષા માટે 1.1 બિલીયન ડોલરની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે.
- મહિલાઓ અને છોકરીઓને ઓનલાઇન સુરક્ષાના કાર્યક્રમો માટે આગામી 4 વર્ષમાં 26.2 મિલીયન ડોલર ફાળવવામાં આવશે.
- યુવાનોને ધ્યાનમાં રાખીને નેશનલ વાયલન્સ પ્રિવેન્શન કેમ્પેઇનમાં 35.1 મિલીયન ડોલરનું રોકાણ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ
- કોરોનાવાઇરસના કારણે દેશની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થઇ છે જેના લીધે દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા શિક્ષણ સંસ્થાનોને ખોટનો સામનો કરવો પડ્યો છે.
- તેમને સહાય મળી રહે તે માટે 53.6 મિલીયન ડોલરનું સહાય પેકેજ આપવામાં આવ્યું છે.
- અંગ્રેજી અને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડતી શિક્ષણ સંસ્થાઓ માટે 9.4 મિલીયન ડોલર ફાળવવામાં આવશે.
- દેશ બહાર રહીને તથા ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર સરકારે શિક્ષણ સંસ્થાઓને 150,000 ડોલર સુધીના ફંડીગની જાહેરાત કરી છે.
- હોસ્પિટાલિટી તથા ટુરિઝમ ક્ષેત્રોમાં કાર્ય કરતા વિદ્યાર્થીઓ પખવાડિયાના 40થી વધુ કલાક કાર્ય કરી શકશે.
Source: AAP
ઇમિગ્રેશન
- વર્ષ 2021-22ના નાણાકિય વર્ષમાં પણ વર્ષ 2020-21ની જેમ માઇગ્રેશન કાર્યક્રમની સંખ્યા 160,000 રાખવામાં આવી છે.
- જે અંતર્ગત 79,600 સ્કીલ્ડ વિસા તથા 77,300 ફેમિલી વિસા ફાળવવામાં આવશે.
- હ્યુમિનીટેરીયન કાર્યક્રમ માટે 13,750 સંખ્યા નક્કી કરવામાં આવી છે.
માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 માટે જેટલો ક્વોટા ફાળવવામાં આવ્યો હતો એટલો જ ક્વોટા વર્ષ 2021-22 માટે પણ જાહેર કરાયો છે. સ્કીલ્ડ વિસાની સંખ્યા 79,600 રાખવામાં આવી છે હાલમાં ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાથી દેશમાં રહેતા સ્કીલ્ડ વિસાધારકોને તેનો લાભ મળી શકે તેવી શક્યતા છે.
મેડિકેર
- આગામી ચાર વર્ષમાં 126 બિલીયન ડોલર મેડિકેરને ફાળવવામાં આવશે.
- ટેલિહેલ્થ સર્વિસને 200 મિલીયન ડોલરના વધારા સાથે કુલ રોકાણ 3.6 બિલીયન ડોલર જેટલું કરાશે.
- ડેન્ટલ સર્વિસ માટે રાજ્યો અને ટેરીટરીને 100 મિલીયન ડોલર અપાશે.
- ફાર્માસ્યુટીકલ બેનિફીટ સ્કીમ માટે આગામી 4 વર્ષમાં 43 બિલીયન ડોલર અપાશે.