ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવવાના મામલે ભારત ચીન બાદ બીજો ક્રમ ધરાવે છે. જોકે, ભારતીય નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ સુધારાઓ થયા છે. જેના કારણે દેશમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. તેથી, આગામી સમયમાં વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થાય તેવી શક્યતા છે.
અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના દેશમાં આવી અભ્યાસ કરવા પ્રેરાય તે માટે તેમની વર્તમાન નીતિમાં સુધારો કરવાની જરૂર છે.
આગામી ત્રણ કે પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે કારણ કે ભારતમાં વિદ્યાર્થીઓ માટે વધુ શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવતી યુનિવર્સિટી અને કોલેજનું નિર્માણ થવા લાગ્યું છે. તેમ ઓસ્ટ્રેલિયા ફાઇનાન્સિયલ રીવ્યૂને આપેલા ઇન્ટરવ્યુંમાં અમિતાભ કાંતે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના કેનબેરા ખાતે નીતિ આયોગના સીઇઓ કાંતે જણાવ્યું હતું કે ભારતીય સરકાર કોઇ પણ પ્રકારના હસ્તક્ષેપ વિના ભારતની યુનિવર્સિટીને કાર્ય કરવાની, સુવિધા વિકસાવવાની છૂટ આપવા કટિબદ્ધ છે. જેથી, આગામી વર્ષોમાં ભારતીય શિક્ષણ સંસ્થાઓ પણ વધુ સ્વાયત્ત બની વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપશે.
"ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા આકર્ષવા માટે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસે ભારતીય યુનિવર્સિટી સાથે વિવિધ મુદ્દે ભાગીદારી કરી સંયુક્ત અભ્યાસક્રમો શરૂ કરવાની જરૂર છે. જો ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસ ભારતમાં કાર્યરત યુનિવર્સિટી સાથે ભાગીદારી કરશે તો જ તેમને યોગ્ય વળતર મળે તેવી સંભાવના છે," તેમ કાંતે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઓસ્ટ્રેલિયામાં લગભગ 72,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે ચીનના 150,000 વિદ્યાર્થીઓ બાદ બીજા ક્રમે છે. જે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં દર વર્ષે 30 બિલિયન ડોલરનો ઉમેરો કરે છે.
Image
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા અંગ્રેજીમાં છૂટછાટ
બીજી તરફ, ABC ના Four Corners,કાર્યક્રમમાં પ્રસારિત થયેલા રીપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસ મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે અંગ્રેજીની લાયકાતમાં છૂટછાટ આપી રહી છે.
કાર્યક્રમમાં જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને યુનિવર્સિટીસ મિલિયન્સ ડોલરમાં આવક કરી રહી છે. તેથી જ, તેઓ વિદ્યાર્થીઓને અંગ્રેજીની યોગ્ય લાયકાત ન હોય તેમ છતાં પણ પ્રવેશ આપે છે.
અંગ્રેજીની યોગ્ય લાયકાત ન ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયાના આક્ષેપો બાદ યુનિવર્સિટી ઓફ તાસ્માનિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયાની ચકાસણી કરશે.