મેન્ડરિન ઓસ્ટ્રેલિયાના બે સૌથી મોટા શહેર સિડની તથા મેલ્બોર્નમાં અંગ્રેજી ઉપરાંત સૌથી વધુ બોલાતી ભાષા બની ગઇ છે પરંતુ, સિડનીમાં થયેલા એક રીસર્ચ પ્રમાણે, શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં બહુભાષાવાદ વિકસાવવા માટે વધારે પ્રયત્નોની જરૂર છે.
Multilingual Sydney: A city report દ્વારા બહાર પાડવામાં આવેલા પુસ્તકમાં જણાવ્યા અનુસાર, સિડનીમાં વર્ષ 2011થી 2016 દરમિયાન મેન્ડરિન ભાષા બોલતા લોકોની સંખ્યામાં 71 ટકા જેટલો વધારો નોંધાયો છે.
મેક્વાયરી યુનિવર્સિટીમાં વરિષ્ઠ પ્રાધ્યાપક તથા પુસ્તકના સહ-સંપાદક એલિસ ચિકના જણાવ્યા પ્રમાણે, "આ વધારો ચીનથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને માઇગ્રન્ટ્સના કારણે છે."
"છેલ્લા 10 વર્ષમાં યુરોપિયન ભાષાઓ કરતાં નોન – યુરોપિયન ભાષાનો ઉપયોગ વધતો જોવા મળ્યો છે. કારણ કે, યુદ્ધ પછીના સમયે યુરોપમાંથી માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા આવીને વસ્યા હતા, જોકે હવે, સ્કીલ માઇગ્રન્ટ સ્કીમમાં ફેરફાર થયા બાદ નોન – યુરોપિયન દેશોમાંથી માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા આવવા લાગ્યા છે."સિડનીમાં કુલ 4.7 ટકા લોકો મેન્ડરિન બોલે છે. અરેબિક 4 ટકા અને ત્યાર બાદ, કેન્ટોનિસ, વિયેતનામીસ અને ગ્રીકનો ક્રમ આવે છે.
Mandarin now second to English in Australia's biggest cities Source: AAP
મેલ્બોર્નમાં, ફક્ત 4 ટકા લોકો જ મેન્ડરિન બોલે છે. પરંતુ, તે બીજા ક્રમે રહેલા ગ્રીક (2.4 ટકા), ઇટાલિયન અને વિયેતનામીસ (2.3 ટકા) કરતાં ઘણી આગળ છે.
તેમ છતાં, સિડનીમાં ભારતીય ભાષાઓ સૌથી વધુ વિકસી રહી છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન ન્યૂ સાઉથ વેલ્સના પ્રમુખ યાદુ સિંઘના જણાવ્યા પ્રમાણે, તેમને આ અંગે કોઇ આશ્ચર્ય થયું નથી.
"છેલ્લા કેટલાક વર્ષોથી, ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતા માઇગ્રેન્ટ્સની યાદીમાં ભારત દેશ ટોચનો ક્રમ ધરાવે છે. અહીં સ્થાયી થતાં લોકોની માતૃભાષા હિન્દી, પંજાબી કે તમિલ હોય છે," તેમ યાદુ સિંઘે જણાવ્યું હતું.
એલિસ ચીકના જણાવ્યા પ્રમાણે, "રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોઇ એક જ ભાષા નહીં પરંતુ અન્ય દેશોની ભાષાઓ પણ વિકસી રહી છે."
સંશોધકોના મતે, ઓસ્ટ્રેલિયામાં ઘણી ભાષાઓ વિકસી રહી છે પરંતુ દેશની શાળાઓમાં અન્ય ભાષાઓને યોગ્ય મહત્વ અપાતું નથી.
મેક્વાયરી યુનિવર્સીટીના અન્ય વરિષ્ઠ પ્રાધ્યાપક ડો.રોબિન મોલોનીએ જણાવ્યું હતું કે, "અંગ્રેજી બોલતા હોય તેવા દેશોમાં એકથી વધુ ભાષા શીખતા લોકોની સંખ્યામાં ઓસ્ટ્રેલિયા પાછળ પડી રહ્યું છે. તેથી, તે અંગે યોગ્ય પગલાં લેવાની જરૂર છે."