ભારતીય ખેડૂતો મલ્ટીનેશનલ સોફ્ટ ડ્રીન્ક કંપની - પેપ્સી (PepsiCo) એ તેમની સામે કરેલા કેસ બાદ વિરોધ કરવાની તૈયારીમાં છે. કંપનીએ ગુજરાતના ચાર ખેડૂતો સામે કોર્ટમાં કરેલા કેસની ફરિયાદ પ્રમાણે, ખેડૂતો FC5 બટાકાની ખેતી કરે છે જે પેપ્સી કંપનીએ પેટન્ટ કરાવેલી છે.
ભારતીય કિસાન યુનિયનના આગેવાનોએ પેપ્સી કંપનીએ ભારતીય ખેડૂતો સામે કરેલા કેસનો રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
યુનિયનના પ્રમુખ રાકેશ તિકૈટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે ખેડૂતોની મદદ કરવાની વિનંતી કરી છે. SBS Hindi સાથે કરેલી વાતચીતમાં તિકૈટે જણાવ્યું હતું કે, ખેડૂતોએ FC5 બટાકાના બીજ ખરીદ્યા અને વાવણી કરી. જો કંપની આ પ્રકારે તમામ ચીજવસ્તુઓની પેટન્ટ કરાવશે તો પરિસ્થિતી વધુ વણસી શકે છે.
જે ચાર ખેડૂતો સામે કંપનીએ કેસ કર્યો છે તેમને રાજ્ય સરકારનો સહારો મળ્યો છે. ગુજરાત સરકારે આ મામલે ખેડૂતોની મદદ કરવાનું નક્કી કર્યું છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ ઘણા લાંબા સમયથી બટાકાની ખેતી કરી રહ્યા છે અને આ તેમનો કાયદાકીય હક છે.
ખેડૂતોનો કેસ લડી રહેલા વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે ખેડૂતો પણ કંપની સામે લડત માટે કટિબદ્ધ છે. કંપનીએ જ્યારે તેમની સામે કેસ કર્યો જ છે ત્યારે હવે ખેડૂતોએ પણ એકજૂટ થઇને લડવાનું નક્કી કર્યું છે.
FC5 બટેકાનું મહત્વ
FC5 એ પેપ્સી કંપનીની પ્રખ્યાત Lay’s ચીપ્સ બનાવવા માટે વપરાય છે. અને, કંપનીના દાવા પ્રમાણે, FC5 નું ઉત્પાદન કરવું તેમનો હક છે.
પેપ્સી કંપનીએ ભારતીય બજારોમાં 1989માં પ્રવેશ કર્યો હતો અને ભારતના પંજાબ રાજ્યમાં રીસર્ચ તથા અન્ય સુવિધા સાથેનો પ્લાન્ટ શરૂ કર્યો હતો. કંપની આ પ્લાન્ટથી જ વિદેશી તથા ભારતીય ખેડૂતોને બટેકાની ખેતી માટેના બીજ ઉપલબ્ધ કરાવે છે.
કંપનીએ કેસમાં જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતો FC5 બટેકાની ગેરકાયદેસર રીતે ખેતી કરી રહ્યા છે.
કંપનીએ SBS Hindi ને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કાયદેસર રીતે FC5 બટેકાની ખેતી કરી પેપ્સી કંપની સાથે જોડાયેલા હજારો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. કંપની કોઇ ખેડૂતના હિતને અસર ન થાય અને ખેડૂતો કાયદેસર રીતે ખેતી કરે તે માટે આ મુદ્દાનું સમાધાન ઇચ્છે છે.
કંપનીએ પેટન્ટનું ઉલ્લંઘન કરનારા દરેક ખેડૂત પાસેથી 10 મિલિયન રૂપિયા (લગભગ 2 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર)ની માંગ કરી છે.
બીજી તરફ, ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેઓ લાંબા સમયથી બટેકાની ખેતી કર્યા છે અને એ તેમનો કાયદાકિય હક છે.
વકીલ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ખેડૂત હક્ક અધિનિયમ 2001 ના સેક્શન 39 પ્રમાણે, ખેડૂતોને તેમનું ઉત્પાદન સંગ્રહ કરવા, વાપરવા, પુન:ઉત્પાદિત કરવા, વહેંચવા કે વેચવાનો હક છે.
પેપ્સી કંપનીએ ખેડૂતો સામેના મામલાનું સમાધાન કરવાનો પ્રસ્તાવ મૂક્યો
કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પેપ્સી કંપનીએ ગેરકાયદેસર રીતે બટેકાની ખેતી કરી રહેલા ખેડૂતો સાથે આ મામલાનું સમાધાન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, જો તેઓ ઇચ્છે તો કંપની સાથે બટેકાના ઉત્પાદન કાર્યક્રમમાં જોડાઇ શકે છે. જ્યાં તેમને વધુ સારી ટેક્નોલોજી અને ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવાશે. તેમને બટેકાના વેચાણ બાદ યોગ્ય વળતર પણ મળી રહેશે.
જો તેઓ કંપની સાથે જોડાણ કરવા ન ઇચ્છતા હોય તો તેઓ કંપની સાથે FC5 પ્રકારના બટેકાનું ઉત્પાદન બંધ કરી અન્ય જાતના બટેકા ઉત્પાદિત કરશે તેવો કરાર કરવો પડશે.
આ કેસની આગામી સુનવણી 12મી જૂન 2019ના રોજ થશે.