ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની શુભકામના પાઠવી છે.
તેમણે પોતાના શુભેચ્છા નિવેદનમાં જણાવ્યું હતું કે દિવાળીનો પર્વ અંધારા સામે પ્રકાશ, ખોટા સામે સત્યના વિજયની નિશાની છે.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આપણે ખરાબ સમયનો અનુભવ કર્યો છે. પરંતુ, આ વર્ષે દિવાળીના તહેવારથી આપણે કોવિડ-19 મહામારીમાંથી બહાર આવી રહ્યા છીએ.
આ વર્ષે ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં દિવાળીની ઉજવણીમાં મિત્રો - પરિવારજનોના મેળાવડા, ઉજવણી, કાર્યક્રમો બધુ જ શક્ય બન્યું છે. અને, કેટલાક ભાગોમાં આવતા વર્ષે શક્ય બનશે.છેલ્લા કેટલાક વર્ષોમાં મને દિવાળીના જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેથી જ મને ખબર છે કે દિવાળીનો ઉમંગ, રંગ તથા ભારતીય ખાણીપીણી આ તહેવારની ઉજવણીને વધુ યાદગાર ઉજવણી બનાવી દે છે, તેમ વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું.
Prime Minister extends Diwali greetings to everyone who celebrates the festival of lights. Source: PMO
તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન સમુદાયને સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં યોગદાન આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અને, દિવાળીનો તહેવાર ઉજવતા તમામ લોકોને શુભકામના પાઠવી હતી.
મિનીસ્ટર ફોર ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસ એન્ડ મલ્ટીકલ્ચરલ અફેર્સ - એલેક્સ હૉકનો દિવાળી સંદેશ
મંત્રી એલેક્સ હૉકે ઓસ્ટ્રેલિયામાં દિવાળીનો તહેવાર ઉજવતા તમામ લોકોને શુભકામના પાઠવી હતી.
તેમણે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં લોકો કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવી રહ્યા છે, અને તેના કારણે જ આપણે ભેગા મળીને દિવાળીની ઉજવણી કરી શકીએ છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં ધીરે ધીરે સ્થિતી સામાન્ય થઇ રહી છે તથા લોકડાઉન સમાપ્ત થયું છે ત્યારે તહેવારની ઉવજણી કરતા લોકો નવા કપડા પહેરી, દિવા પ્રગટાવે તથા એકબીજા સાથે હળીમળીને ઉજવણી કરી શકે છે.ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે વર્ષમાં તહેવારોની ઉજવણીને અસર પહોંચી છે પરંતુ આ વર્ષની દિવાળીની ઉજવણી ગયા વર્ષ કરતાં થોડી અલગ રહેશે.
Minister for Immigration Alex Hawke, Source: AAP
સરકારે માતા-પિતાને પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે પરિવારના નજીકના સભ્યની યાદીમાં મૂકતા પરિવારો ફરીથી એક થઇને દિવાળી મનાવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી એલેક્સ હૉકે કોવિડ-19 મહામારી દરમિયાન છેલ્લા 18 મહિનાઓમાં ઓસ્ટ્રેલિયન સમુદાયને સુરક્ષિત રાખવામાં ફાળો આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરી દિવાળીની શુભકામના પાઠવી હતી.
ન્યૂ સાઉથ વેલ્સનું સંસદ ભવન રોશનીથી ઝગમગી ઉઠશે
દિવાળીના તહેવાર નિમિત્તે ન્યૂ સાઉથ વેલ્સના સંસદ ભવનને 4થી નવેમ્બર ગુરુવારના રોજ રોશનીથી શણગારવામાં આવશે.
ન્યૂ સાઉથ વેલ્સ સંસદ તરફથી સાંસદ જોનાથન ઓ’ડીયાએ જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર ઉજવી રહેતા હિન્દુ, શિખ તથા જૈન સમુદાયના સભ્યોના માનમાં સંસદ ભવનની ઇમારત પર રોશની કરી વિવિધતા તથા એકતાનો સંદેશ આપવામાં આવશે.