ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોવિડ-19નું લોકડાઉન હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયામાં મકાનોની કિંમતમાં વધારો નોંધાયો છે.
CoreLogic ના આંકડા પ્રમાણે, ઓગસ્ટ મહિનામાં દેશની મકાનોની સરેરાશ કિંમતમાં 1.5 ટકાના વધારા સાથે મધ્યમ કિંમત 666,514 ડોલર થઇ છે.
દેશના હોબાર્ટ શહેરમાં મકાન અને એપાર્ટમેન્ટ્સની કિંમતમાં 2.3 ટકા, કેનબેરામાં 2.2 ટકા, બ્રિસબેનમાં 2 ટકાના દરથી વધારો થયો છે.
દેશના અન્ય મોટા શહેરોમાં લોકડાઉન હોવા છતાં પણ મકાન અને મિલકતોની કિંમતમાં 1.2થી 1.9 ટકાના દરથી વધારો નોંધાયો છે.
Changes in Australia's housing market. Source: CoreLogic
શહેર વધારો (ટકામાં)
એડિલેડ 1.9
બ્રિસબેન 2.0
કેનબેરા 2.2
હોબાર્ટ 2.3
મેલ્બર્ન 1.2
સિડની 1.8
ડાર્વિન -0.1
ઓસ્ટ્રેલિયાના મોટાભાગના શહેરોમાં છેલ્લા એક મહિનામાં મકાન અને મિલકતોની કિંમતમાં વધારો નોંધાયો છે ફક્ત ડાર્વિનમાં જ -0.1 ટકા જેટલો ઘટાડો થયો છે.
CoreLogic ના રીસર્ચ ડાયરેક્ટર ટીમ લોવલેસે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના લોકોના પગારમાં અને આવકના વધારાની સરખામણીમાં મકાનોની કિંમતમાં 11 ગણો વધારો નોંધાયો છે. જેના કારણે હજી સુધી એક પણ ઘરના માલિક ન હોય તેવા લોકો માટે પ્રથમ ઘર ખરીદવું મુશ્કેલ બન્યું છે.
ઓગસ્ટ મહિનાના આંકડા પ્રમાણે, વર્ષના પ્રથમ 8 મહિનામાં ઓસ્ટ્રેલિયામાં મકાનોની કિંમતમાં 15.8 ટકાના દરથી વધારો થયો છે. મતલબ કે, દેશના મકાનોની કિંમતમાં એક વર્ષમાં 103,400 ડોલર, અઠવાડિયે 1990 ડોલર જેટલો વધારો થયો છે.
આ વધારાની સરખામણીમાં ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓની આવકમાં વાર્ષિક 1.7 ટકા જેટલો વધારો થયો છે.