ઓસ્ટ્રેલિયામાં હાલમાં 2.2 મિલિયન લોકો ચૂંટણીમાં વોટ આપવાથી વંચિત રહી જાય છે. કારણ કે તેઓ ઓસ્ટ્રેલિયન સિટીઝન નહીં પરંતુ પર્મેનન્ટ રેસીડેન્ટ છે.
વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા પર્મેનન્ટ રેસીડેન્ટ માને છે કે તેમને દેશની ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર મળવો જોઇએ અને મે મહિનામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણીની સમીક્ષા કરી રહેલી પાર્લમેન્ટ્રી કમિટી સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
ફ્રાન્સમાં જન્મેલા ગ્રાફિક ડીઝાઇનર સેલ્વેઇન ગાર્સિયા છેલ્લા આઠ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેમના માનવા પ્રમાણે ઓસ્ટ્રેલિયન નાગરિક જ ચૂંટણીમાં વોટ આપી શકે તેવા 1981માં બનેલા કાયદામાં સુધારણા કરીને પર્મેનન્ટ રેસીડેન્ટને મતદાનનો અધિકાર આપવો જોઇએ.કમિટી સમક્ષ કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે હવે હું ફ્રેન્ચ કરતાં ઓસ્ટ્રેલિયન વધારે છું. મને અન્ય પર્મેનન્ટ રેસીડેન્ટ શું અનુભવી રહ્યા છે તેની પણ જાણ છે. વર્ષોથી અહીં રહેતા પર્મેનન્ટ રેસીડેન્ટ પર સરકારની નીતિઓની સીધી અસર પડે છે એટલે સરકાર પસંદ કરવામાં તેઓ પોતાનો મત ન રજૂ કરી શકે તો તે વ્યાજબી નથી.
Source: AAP
ગાર્સિયાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં હાલમાં પર્મેનન્ટ રેસીડેન્ટની સંખ્યા 2.2 મિલિયન છે.
પર્મેનન્ટ રેસીડેન્ટની કુલ સંખ્યાના 36 ટકા લોકો ન્યૂ સાઉથ વેલ્સમાં, 34 ટકા વિક્ટોરિયામાં અને ક્વિન્સલેન્ડમાં 11 ટકા લોકો વસવાટ કરે છે.
કેટલાક બ્રિટીશર કે જેઓ ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડેન્ટ તરીકે વસવાટ કરી રહ્યા છે તેઓ ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં મતદાન કરી શકે છે પરંતુ તે માટે તેમણે જાન્યુઆરી 26, 1984 અગાઉ પોતાનું નામ નોંધાવ્યું હોય તે જરૂરી છે.