ઉનાળાની રજાઓ ગાળવા માટે સિડની તથા બ્રિસબેનના બે પરિવારો સોમવારે સાંજે ન્યૂ સાઉથ વેલ્સના ઉત્તર ભાગમાં આવેલા મૂની બિચ ખાતે ભેગા થયા હતા.
જેમાં 15 અને 17 વર્ષની બે યુવતીઓ તથા એક 15 વર્ષનો યુવાન હતો.
જ્યારે તેઓ દરિયાના પાણીમાં નહાવા ગયા અને ફસાઇ ગયા હોય તેમ લાગ્યું ત્યારે 45 વર્ષના મોહમ્મદ ઘોયુસેયુદ્દિન તેમને બચાવવા માટે પાણીમાં પડ્યા હતા.
તેમને જોઇને બનેવી સૈયદ રાહત પણ પાણીમાં પડ્યા પરંતુ પાણીની ઝડપ અને જોર સામે તેઓ ટકી શક્યા નહીં અને ડૂબી ગયા હતા.
જોકે ત્રણેય યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવકર્મીઓએ ડૂબેલી બંને વ્યક્તિઓને બચાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
28 વર્ષનો મોહમ્મદ અબ્દુલ જુનૈદ પણ ડૂબી ગયો હોવાનું મનાય છે પરંતુ હજી સુધી તેની કોઇ ભાળ મળી નથી.ઇન્ડિયન મુસ્લિમ એસોસિયેશન ઓફ ઓસ્ટ્રેલિયાના અર્શદ ખાને જણાવ્યું હતું કે, “ભારતીય પરિવારને નડેલા આ અકસ્માતથી સમુદાય શોકમાં છે.”
A swimmer looks on as strong winds create choppy seas at the Bronte Beach Ocean Pool in Sydney. Source: AAP
“તમામ લોકો ભારે શોકમાં છે કારણ કે આ પ્રથમ અકસ્માત નથી. છેલ્લા અઢી મહિનામાં આ ત્રીજો બનાવ છે. 1લી ઓક્ટોબરે અમારા સમાજનો જ એક વ્યક્તિ સ્ટેનવેલ પાર્ક ખાતેના બિચ પર ડૂબી ગયો હતો.”
સ્થાનિક પોલીસ તથા સર્ફ લાઇફસેવિંગ એસોસિયેશન તથા મરીન રેસ્ક્યુના સ્વયંસેવકો હજી પણ ત્રીજી વ્યક્તિની શોધમાં છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ઇન્સ્પેક્ટર બ્રેન્ડન ગોર્માને જણાવ્યું હતું કે, “સ્વિમીંગ કરવા માટે યોગ્ય હવામાન નહોતું.”
“મોજા ખૂબ જ ઉંચા અને ઝડપથી ઉછળી રહ્યાં હતા. આ ઉપરાંત આગલી રાત્રે વરસાદ પણ પડ્યો હતો. ખાડીની જમીન તથા તટ ખૂબ જ ગંદા હતા.”
પરિવાર ભારતમાં હૈદરાબાદ શહેરનો વતની છે.
ઘોયુસેયુદ્દિન તથા રાહત સિડનીના પશ્ચિમ ભાગમાં આવેલા ઓબર્નમાં રહેતા હતા જ્યારે જુનૈદ બ્રિસબેનથી આવ્યો હતો.
અર્શદ ખાને જણાવ્યું હતું કે, “ભારતમાં તેમના પરિવારજનો ઘટના બાદ શોકમાં ડૂબી ગયા છે.”
“અમે સતત તેમના સંપર્કમાં છીએ. તેમના પરિવારના કેટલાક સભ્યો અંતિમ ક્રિયામાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમને સમચાર આપવામાં થોડો સમય લાગ્યો હતો કારણ કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સાડા પાંચ કલાકનું અંતર છે. અમે તેમને વહેલી સવારે આ સમાચાર આપ્યા હતા.”
ઘટના બન્યા બાદ, સર્ફલાઇફ સેવિંગ ઓસ્ટ્રેલિયાએ ફરીથી એક વખત સ્વિમીંગ કરવા માટે જતા લોકોને ચેતવણી આપી છે.
ગયા ઉનાળામાં દરિયામાં ડૂબવાની 52 ઘટનાઓ બની છે. જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધારે છે.જુલાઇ મહિનાથી અત્યાર સુધીમાં ડૂબી જવાના કારણે 35 લોકોના મૃત્યું થયા છે.સર્ફલાઇફ સેવિંગ ઓસ્ટ્રેલિયાના શેન ડેવે જણાવ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે લોકો જે પણ જગ્યાએ જાય ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ મેળવે, દરિયામાં ઉંચા મોજા ઉછળવાના છે કે નહીં?, આસપાસમાં અન્ય કોઇ જોખમી વસ્તુ છે કે નહીં?, દરિયા પર સુરક્ષાની કેટલી વ્યવસ્થા છે?, અને સૌથી મહત્વનું, જે પણ જગ્યાએ જવાનું આયોજન કરતાં હોય તે જગ્યાની સંપૂર્ણ માહિતી સાથે રાખવી.”
A search operation is underway for Mohammad Abdul Junaid Source: ABC Australia
અર્શદ ખાને જણાવ્યું હતું કે, “માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારા વિશે યોગ્ય જ્ઞાન હોતું નથી.”
“અમે ભારતમાં જે શહેરમાંથી આવીએ છીએ તે જગ્યાએ દરિયા કિનારો નથી. તેથી લોકોને ખબર હોતી નથી કે દરિયાના પાણીમાં કેવી રીતે નહાવું. તેમની પાસે સ્વિમીંગ કરવા માટેનું પૂરતું જ્ઞાન હોતું નથી. ખાસ કરીને સ્ટુડન્ટ વિસા પર આવનારા લોકો અગાઉ બનેલી ઘટનાઓ વિશે જાણતા હોતા નથી. આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે લોકોને જાગૃત કરવાની જરૂર છે.”
સમુદાયે ડૂબીને મૃત્યું પામેલા લોકો માટે પશ્ચિમ સિડનીના લેકેમ્બા યુનિટીંગ ચર્ચ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે.બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના મિનિસ્ટર ઓફ મલ્ટીકલ્ચરીઝમ, રેય વિલિયમ્સે ઘટના અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ભારતીય પરિવારને નડેલા અકસ્માત બદલ હું શોક વ્યક્ત કરું છું.”
Source: Ray Williams
“ન્યૂ સાઉથ વેલ્સ સરકાર દરિયા કિનારે વધુ સુરક્ષા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. લોકોએ હંમેશાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા હોય તેવા દરિયા કિનારા પર જ સ્વિમીંગ કરવું. તે જગ્યાની યોગ્ય જાણકારી રાખવી તથા લાલ અને પીળા ધ્વજની વચ્ચે જ સ્વિમીંગ કરવું જોઇએ.”
“હું ફરીથી એક વખત પીડિત પરિવાર પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું,”, તેમ વિલિયમ્સે જણાવ્યું હતું.