હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. આ તહેવાર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ જ્યાં - જ્યાં હિન્દુ સમાજના લોકો રહે છે ત્યા ઉજવાય છે. ઓસ્ટ્રેલિયામાં પણ હિન્દુ સમાજ મોટી સંખ્યામાં રહે છે અને તેઓ પોતાના દેશથી હજારો કિલોમીટર દૂર રહેતા હોવા છતાં પણ દિવાળીનો તહેવાર પારંપરિક રીતે ઉજવે છે.
હાલમાં જ ઓસ્ટ્રેલિયાના બે મુખ્ય શહેર સિડની તથા મેલ્બોર્નમાં દિવાળી તહેવારની ઉવજણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. સિડનીના પેરામેટ્ટા પાર્ક ખાતે તથા મેલ્બોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે યોજાયેલી આ ઉજવણીમાં ભારતીય સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને એકબીજાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
Image
પેરામેટ્ટામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ
સિડનીના પશ્ચિમ ભાગમાં આવેલા પેરામેટ્ટામાં પેરામેટ્ટા પાર્ક ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતીય મૂળના લોકોએ હાજરી આપી હતી અને સમૂહમાં દિવાળી મનાવી હતી. ઉજવણીમાં ભાગ લઇ રહેલા લોકોના જણાવ્યા પ્રમાણે દેશથી દૂર રહીને પણ દિવાળીની ઉજવણી થાય છે જે ઘરની અનૂભુતિ કરાવે છે. આ ઉપરાંત બાળકોને પણ હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો તથા પરંપરાની સમજ પડે છે.પેરામેટ્ટા પાર્ક ખાતેની ઉજવણીમાં વિવિધ ગ્રૂપ્સ દ્વારા ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી લોકનૃત્ય, રાજસ્થાની લોકનૃત્ય, ભરતનાટ્ટયમ, બોલીવૂડના ગીત તથા આદિવાસી નૃત્યની રજૂ કરવામાં આવ્યા હતા.
People of Indian community gathered at Parramatta Park for Diwali celebration. Source: SBS Gujarati
પેરામેટ્ટાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ્યોફ લીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભારતીય સમાજને દિવાળીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, "વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાન્સ, સંગીત તથા ભારતીય પરંપરાગત વાનગીઓ સાથે પેરામેટ્ટા પાર્ક ખાતે દિવાળી ઉજવાઇ રહી છે તે ખરેખર અદભુત છે."
Image
વડાપ્રધાન સ્કોટ મોરિસનની શુભેચ્છા
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોરિસને પણ પેરામેટ્ટા પાર્ક ખાતે ઉપસ્થિત રહીને ભારતને તથા ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમાજને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મના લોકોને તેમની સંસ્કૃતિ તથા પરંપરાના મૂલ્યોને નજીકથી માણવાનો તહેવાર એટલે દિવાળી. ઓસ્ટ્રેલિયા તમામ ધર્મોને આવકારે છે અને હિન્દુ ધર્મનું તથા તેમની સંસ્કૃતિનું સન્માન કરે છે. ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમાજના લોકોને પ્રકાશના આ પર્વ દિવાળીની શુભેચ્છા.આ ઉપરાંત, સતત પાંચમાં વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસને પણ દિવાળીના પર્વ નિમિત્તે સોનેરી રંગના પ્રકાશથી સજાવવામાં આવ્યું હતું.
The Sydney Opera House is seen illuminated gold to celebrate Diwali, the Hindu festival of lights, in Sydney Source: AAP Image/Dan Himbrechts
Indian people dressed in traditional attire to perform the traditional dance during a Diwali celebration at Federation Square in Melbourne. Source: SBS Gujarati
મેલ્બોર્નમાં ફેડરેશન સ્કેવર ખાતે દિવાળી ઉજવાઇ
ઓસ્ટ્રેલિયાના મેલ્બોર્ન શહેર ખાતે સામૂહિક રીતે દિવાળીનો તહેવાર મનાવાયો હતો. આ ઉજવણીમાં ભારતીય સમાજ સહિત વિશ્વની અલગ અલગ સંસ્કૃતિમાંથી આવતા લોકોએ પણ ભાગ લઇને ભારતીય સંસ્કૃતિને નજીકથી જાણી હતી. કાર્યક્રમમાં ભારતની પરંપરાગત વાનગીઓ, ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન વિવિધ પ્રકારના સાંસ્કૃતિક ડાન્સ તથા બોલીવૂડના ગીતો પ્રસ્તુત કરાયા હતા.
આ ઉપરાંત, કાર્યક્રમના અંતે વિવિધ પ્રકારના ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી અને પ્રખ્યાત મેલ્બોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને ભારતીય ત્રિરંગાના રંગથી સજાવવામાં આવ્યું હતું.
Image
મેલ્બોર્નમાં પટેલ સમાજ દ્વારા દિવાળી મનાવાઇ
મેલ્બોર્નમાં રહેતા 12 ગામ કડવા પાટીદાર સમાજના સભ્યોએ સામુહિક રીતે દિવાળીની ઉજવણી કરી હતી. મેલ્બોર્નથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા વૂડેન્ડ ખાતે સમાજના લગભગ 150 જેટલા લોકોએ આ ઉવજણીમાં ભાગ લઇને ઘરે બનાવેલી ભારતીય મીઠાઇઓ તથા અન્ય વાનગીઓ ઉપરાંત વિવિધ પ્રકારની રમતો રમીને એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.