ભારતના લોખંડી પુરુષના નામથી જાણિતા સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇની જન્મજયંતિએ આજે થોડા કલાકો બાદ જ તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થવા જઇ રહ્યું છે. આ પ્રતિમા તેના અનાવરણની સાથે જ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની જશે.
ગુજરાતના નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ પાસે સાધુબેટ પર આવેલી આ પ્રતિમાના અનાવરણની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ કાર્યક્રમમાં તેનું અનાવરણ કરશે.
Image
30 નદીના પાણી દ્વારા અભિષેક
સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાના અનાવરણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, તાપી, સિંધૂ, કાવેરી, બ્રહ્મપુત્રા સહિતની ભારતની 30 જેટલી નદીઓના પાણીથી પ્રતિમાની પાસે આવેલા શિવલિંગનો અભિષેક કરશે અને ત્યાર બાદ પ્રતિમાનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 135 મીટરની ઉંચાઇએ પ્રતિમાની છાતી પર જે ગેલેરી બનાવવામાં આવી છે ત્યાંની મુલાકાત લઇને નજારો નીહાળશે.
સમગ્ર ભારતમાંથી ગુજરાતી આગેવાનોને આમંત્રણ
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા જણાવ્યા પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત વિવિધ રાજ્યોના રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં 20 રાજ્યોના 38 શહેરોમાંથી લગભગ 140 ગુજરાતી આગેવાનો ભાગ લે તેવી શક્યતા છે.
તેલંગાણા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, આસામ, તામિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરાલા, દિલ્હી, હરિયાણા અને આંદામાન નિકોબાર સહિતના રાજ્યોમાં વસેલા ગુજરાતીઓને ગુજરાત સરકાર દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયું છે.
Image
33 રાજ્યોની સંસ્કૃતિની ઝલક
પ્રતિમાના અનાવરણ પ્રસંગે ભારત દેશના 33 રાજ્યોની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આ ઉપરાંત યુનિટી વોલથી પ્રતિમા સુધીના 2.5 કિલોમીટર લાંબા માર્ગ પર 900 કલાકાર ઉભા રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અન્ય મુખ્ય મહેમાનોનું સ્વાગત કરશે.
અનાવરણ પ્રક્રિયા દરમિયાન ભારતીય એરફોર્સના વિમાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
મ્યુઝિયમ ખુલ્લું મુકાશે
સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતું સરદાર મ્યુઝિયમ પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે, જેમાં સરદાર પટેલના જીવન સાથે જોડાયેલા 40 હજાર દસ્તાવેજ, 2 હજાર દુર્લભ ફોટો તથા જાહરલાલ નહેરુ, ડો બાબાસાહેબ આંબેડકર જેવા મહાન નેતાઓ દ્વારા સંવિધાન સભામાં આપવામાં આવેલા ભાષણની ઓડિયો ટેપ પણ રાખવામાં આવી છે.
Image
વિરોધ પ્રદર્શનની ભયથી કડક સુરક્ષા
સ્થાનિક આદિવાસીઓ દ્વારા આપવામાં આવેલા વિરોધ અને બંધના એલાનના પગલે સરકાર દ્વારા ઉદ્ધાટન પહેલા મોટી સંખ્યામાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના પોલીસ વડા અભય ચુડાસમાના જણાવ્યા પ્રમાણે પ્રતિમા સ્થળના 10 કિલોમીટરના વિસ્તારની ફરતે 5000 જેટલા પોલીસને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા તથા હેલીકોપ્ટર દ્વારા પણ પ્રતિમાની આસપાસના વિસ્તારો પર નજર રખાઇ રહી છે.
બીજી તરફ, આદિવાસી નેતા છોટુ વસાવાના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક લોકોનો સરદાર પટેલ સામે વિરોધ નથી પરંતુ પ્રતિમા માટે ઘરવિહોણા થયેલા લોકોને યોગ્ય વળતર મળ્યું નથી તેનો વિરોધ છે.
ઓસ્ટ્રેલિયામાં પણ ઉજવણી
સરદાર વલ્લભભાઇ પટેલની 143મી જન્મજયંતિ નિમિત્તે ઓસ્ટ્રેલિયામાં પણ વિવિધ સ્થળોએ તેની ઉજવણી કરવામાં આવશે. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, સિડની તથા મેલ્બોર્નમાં પણ ભારતીય સમાજ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.