નોકરી ગુમાવનારા તથા સરકારી સહાય નહીં મેળવી શકનારા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કરિયાણું, ભોજન તથા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો. પરંતુ, આ સમૂહના ઘણા બધા લોકો શરમના કારણે મદદ લેતા અચકાતા હોવાનું જાણવા મળ્યું છે.
તાસ્મેનિયાના હોબાર્ટ સ્થિત વેલસ્પ્રિન્ગ એન્ગલિકન ચર્ચના ‘Show Hope’ ના નામથી માઇગ્રન્ટ્સ તથા મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરી રહી છે.
દર અઠવાડિયે લગભગ 700 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવામાં આવે છે.
મદદ સ્વીકારવામાં ‘શરમ’ અનુભવવી
ચર્ચ ખાતે પાદરી તરીકે સેવા આપતા સેમ ગોફે જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓ મદદ લેતા શરમ અનુભવે છે જ્યારે કેટલાક લોકો કોઇ ગુનો કર્યો હોવાનું માનીને મદદ સ્વીકારવા માટે આગળ આવતા નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી માઇગ્રન્ટ્સ ભોજન સ્વીકાર્યા બાદ માફી પણ માંગે છે.
તાસ્મેનિયા ખાતે આવેલી રેડ ક્રોસ માઇગ્રેશન એન્ડ ઇમરજન્સી સર્વિસના જુલી ગ્રૂમે જણાવ્યું હતું કે, કેટલાક માઇગ્રન્ટ્સ અને વિદ્યાર્થીઓ અન્ય લોકો સાથે રહેતા હોવાથી તેઓ મદદ સ્વીકારવામાં શરમ અનુભવે છે.
અન્ય લોકોને તેમની પરિસ્થિતીની જાણ થઇ જશે તેવા ડરના કારણે વિદ્યાર્થીઓ મદદ લેવા માટે તૈયાર થતા નથી.
વિસાની શરતોનું ઉલ્લંઘન નથી
ટેમ્પરરી માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જો સંસ્થા દ્વારા મદદ સ્વીકારે તો તેઓ વિસાની શરતોનું ઉલ્લંઘન કરતા નથી.
ગ્રૂમે જણાવ્યું હતું કે, કેટલાક લોકોના મનમાં એક પ્રકારનો ડર છે કે તેમના વિસાની શરત પ્રમાણે, તેઓ પોતાનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ છે અને જો તેઓ મદદ સ્વીકારશે તો વિસાની શરતોનું ઉલ્લંઘન કરશે અને કોરોનાવાઇરસની મહામારી બાદ તેમના વિસા પર તેની અસર થશે.જોકે, ગ્રૂમે જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસના કારણે સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી મદદ સ્વીકારવાથી વિસાની શરતોનું ઉલ્લંઘન થતું નથી.
Julie Groom is the Migration and Emergency Services Lead for the Red Cross in Tasmania. Source: SBS News: Sarah Maunder
તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ શ્રીમંત હોતા નથી
ખાદ્યસામગ્રીની મદદ લઇ રહેલા વિદ્યાર્થીઓ પાસે બ્લેન્કેટ ન હોવાના કારણે વેલસ્પ્રિંન્ગ એન્ગલિંકન ચર્ચના સભ્ય અનિટા લિન્કલ્ન લોમેક્ષ હાલમાં વિદ્યાર્થીઓને બ્લેન્કેટ પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, વધુ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ શ્રીમંત હોય છે તેવી એક ગેરસમજણ પ્રવર્તી રહી છે.
જોકે, મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. અને માતા-પિતાએ તેમનું સંતાન વિદેશમાં સ્થાયી થઇને પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી ઉગારશે તેવી આશા સાથે મોટી લોન પણ લીધી હોય છે.
વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસની સાથે – સાથે રેસ્ટોરન્ટ્સમાં અથવા ક્લિનીંગની નોકરી સ્વીકારવી પડે છે અને અહીં તેમનો રહેવાનો ખર્ચ બાદ કરીને વધારાના નાણા વતનમાં પરિવારને પણ મોકલવાના હોય છે, તેમ અનિટાએ ઉમેર્યું હતું.
Anita Lincolne-Lomax says there is a misconception in Australia that international students come from wealthy families. Source: SBS News: Sarah Maunder
તાસ્મેનિયા સરકારે ટેમ્પરરી માઇગ્રન્ટ્સને મદદ કરી
કોરોનાવાઇરસના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરતા ટેમ્પરરી માઇગ્રન્ટ્સને તાસ્મેનિયાની સરકારે મદદ કરી હતી.
એપ્રિલ 2020માં સરકારે 250 ડોલરની નાણાકિય સહાય આપી હતી. તથા જૂન 2020 સુધીમાં 3960 ટેમ્પરરી વિસાધારકોને 1,275,525 ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી હતી.
જે વિદ્યાર્થીઓ વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમણે તેમની યુનિવર્સિટી અથવા કોલેજનો સંપર્ક કરવો.
માનસિક આરોગ્ય સાથે સંકળાયેલી સુવિધા મેળવવા માટે Beyond Blue નો 1300 22 4636 પર અથવા પર સંપર્ક કરી શકાય છે.