કેટલાક ક્રિકેટ પ્રશંસકો પર મેલ્બોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બોક્સિંગ ડે ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ તથા પ્રેક્ષકો પ્રત્યે વંશીય ટીપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે.
વિવિધ પ્રકારના મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ ઘટના મેલ્બોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના બે-13માં બની હતી. જે પ્રેક્ષકો વંશીય ટીપ્પણી કરવામાં સામેલ હતા તેમને ત્યારબાદ સ્ટેડિયમની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
ક્રિકેટની વેબસાઇટ પર મૂકવામાં આવેલા એક વીડિયોમાં કેટલાક પ્રશંસકો ભારતીય ખેલાડીઓ તથા પ્રેક્ષકો પ્રત્યે “શો અસ યોર વિસા” જેવી ટીપ્પણી કરતા જોવા મળે છે. આ ઘટના પ્રથમ બે દિવસ સુધી બની હતી. મેલ્બોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના ગ્રેટ સધર્ન સ્ટેન્ડમાં બેસેલા પ્રેક્ષકોને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ચેતવણી પણ મળી હતી. કે જો આ પ્રકારની ટીપ્પણીઓ બંધ નહીં થાય તો તેમને ગ્રાઉન્ડની બહાર કરી દેવામાં આવશે.
અને, તે ત્રીજા દિવસે પણ બનતા કેટલાક પ્રેક્ષકોને ગ્રાઉન્ડની બહાર કરી દેવાયા હતા.
ESPNcricinfo ના જણાવ્યા પ્રમાણે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કોઇ પણ ખેલાડી કે પ્રેક્ષકો સામેની વંશીય ટીપ્પણી ચલાવી લેશે નહીં.”
“વિક્ટોરીયા પોલીસ અને મેલ્બોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના સુરક્ષાકર્મીઓ આ પ્રકારની ઘટના ન બને તે માટે નજર રાખી રહ્યા છે. વંશીય ટીપ્પણી કરનારા કેટલાક પ્રેક્ષકોને સ્ટેડિયમની બહાર કરી દેવાયા છે.”
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ પ્રેક્ષકોની ટીપ્પણીનો ભોગ બન્યો હતો. પરંતુ, તેણે શાંત ચિત્તે વિશિષ્ટ રીતે પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું.
ત્રીજા દિવસે, કેપ્ટન કોહલીએ પોતાના વિશેની ટીપ્પણી સાંભળી હતી અને પ્રેક્ષકો તરફ નીચે ઝૂકીને તેમની ટીપ્પણીનો જવાબ આપ્યો હતો.
મેલ્બોર્ન ટેસ્ટ મેચ ભારતે 137 રનથી જીતી લીધી છે અને ચાર મેચની બોર્ડર – ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 3જી જાન્યુઆરી 2019થી સિડની ખાતે શરૂ થશે.