2021ના શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી જાહેર, ઓસ્ટ્રેલિયાને ફાયદો ભારતને નુકસાન

વિશ્વના 191 દેશોમાં વિસા વિના ઊતરાણની મંજૂરી સાથે સૌથી શક્તિશાળી પાસપપોર્ટ્સની યાદીમાં જાપાન પ્રથમ ક્રમે, ઓસ્ટ્રેલિયા 8મા જ્યારે ભારત 85મા ક્રમે.

Close-up of Indian passport lying on world map

Source: Getty Images/anand purohit/Fly View Productions

કોરોનાવાઇરસના કારણે વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય પ્રવાસને અસર પહોંચી છે ત્યારે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે, જાપાનનો પાસપોર્ટ વર્ષ 2021માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં પ્રથમ ક્રમે છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA) ના અભ્યાસના આધારે આ યાદી જાહેર કરી છે.

જ્યારે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટે તેના અગાઉના ક્રમથી એક સ્થાન ઉપર આવીને 8મો ક્રમ મેળવ્યો છે.

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી સભ્ય દેશોમાંથી કેટલા દેશોમાં વિસા વિના ઊતરાણ તથા ઊતરાણ વખતે વિસાની સુવિધા આપે છે તેની પર આધારિત હોય છે.

જાપાની પાસપોર્ટ સાથે 191 દેશોમાં વિસા ફ્રી ઊતરાણ

જાપાનનો પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ વિશ્વના કુલ 191 દેશોમાં વિસા વિના ઊતરાણ કરી શકે છે. જ્યારે સિંગાપોરનો પાસપોર્ટ આ યાદીમાં બીજા ક્રમે આવે છે. સિંગાપોરનો પાસપોર્ટ ધરાવતી વ્યક્તિને 190 દેશોમાં વિસા વિના ઊતરાણની સુવિધા મળે છે.

સાઉથ કોરિયા, જર્મની 189 દેશો સાથે ત્રીજા, સ્પેન, ફીનલેન્ડ, ઇટાલી, લક્સમબર્ગ 188 દેશો સાથે ચોથા ક્રમે છે.

184 દેશો સાથે ઓસ્ટ્રેલિયા 8મા ક્રમે

ઓસ્ટ્રેલિયન પાસપોર્ટધારક 184 દેશોમાં વિસા વિના ઊતરાણ કરી શકે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા ઝેક રીપબ્લિક, ગ્રીસ તથા માલ્ટા સાથે આઠમાં ક્રમે છે.

અગાઉ વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા 183 દેશોમાં વિસા ફ્રી ઊતરાણ સાથે 9મા ક્રમે હતું. ત્યાર બાદ તેમાં એક સ્થાનનો સુધારો થયો છે.
Passport of India and Australia
Indian and Australian passports Source: Wikimedia/Sulthan90 and Ajfabien (C.C. BY A SA 4.0)

ભારતને એક સ્થાનનું નુકસાન

ભારતના પાસપોર્ટમાં કોઇ ફેરફાર ન થયો હોવા છતાં પણ તેને એક ક્રમનું નુકસાન થયું છે. તે તાજીકિસ્તાન સાથે યાદીમાં 85મા ક્રમે છે. અને, ભારતીય પાસપોર્ટધારક વિશ્વના 58 દેશોમાં વિસા વિના ઊતરાણ કરી શકે છે.

વિશ્વના સૌથી ઓછા શક્તિશાળી પાસપોર્ટ્સ

  • અફઘાનિસ્તાન
  • ઇરાક
  • સિરીયા
  • પાકિસ્તાન
  • યેમેન, સોમાલિયા

Share
Published 12 January 2021 1:33pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends