એક અભ્યાસના તારણ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા દર ચારમાંથી એક માઇગ્રન્ટ તેની વર્તમાન નોકરી કરતા વધુ કુશળતા દાખવે છે.
ધ કમિટી ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઓસ્ટ્રેલિયા (CEDA) ના રીપોર્ટ મુજબ 23 ટકા પર્મેનન્ટ સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ અથવા 34,000 લોકો તેમની કુશળતા કરતાં નીચા સ્તરની નોકરી કરે છે.
હાઇલાઇટ્સ
- 23 ટકા પર્મેનન્ટ સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ કુશળતા કરતા નીચા સ્તરની નોકરી કરતા હોવાનું તારણ
- એકાઉન્ટન્ટ્સ, સિવીલ એન્જીનિયર તથા શેફ સૌથી વધુ પ્રભાવિત
- વર્ષ 2013થી 2018 સુધીમાં માઇગ્રન્ટ કર્મચારીઓને 1.25 બિલિયન ડોલર જેટલું નુકસાન
કુશળતા કરતાં નીચા સ્તરની નોકરી કેમ
અભ્યાસમાં જાણવા મળતી વિગતો પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં કાર્યનો અનુભવ, સ્થાનિક લોકો તથા વેપાર - ઉદ્યોગ સાથેના જોડાણનો અભાવ તથા ભાષાનું અપૂરતું જ્ઞાન તેના મુખ્ય કારણો છે.
કઇ કુશળતા ધરાવતો વર્ગ સૌથી વધુ પ્રભાવિત
એકાઉન્ટન્ટ્સ, સિવીલ એન્જીનિયર તથા શેફ કે જેઓ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છે. તેમને તેમની કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં નોકરી મળવાની સંભાવના ઘટી જાય છે. અને, તેમના ક્ષેત્ર સિવાયની નોકરી સ્વીકારવા માટે મજબૂર થવું પડે છે.
સંસ્થાના ચીફ એક્સીક્યુટીવ મેલિન્ડા સિલેન્ટોએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની સ્કીલ્ડ માઇગ્રેશન પ્રણાલીએ દેશના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે પરંતુ તેમાં હજી પણ સુધારો કરવાની જરૂર છે.તેમણે ઉમેર્યું હતું કે જ્યારે દેશ કોરોનાવાઇરસની મહામારીમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે સ્કીલ્ડ માઇગ્રેશન દ્વારા દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવાની તક રહેલી છે.
Thousands of skilled migrants are getting stuck in jobs below their qualification levels. Source: Getty Images/People Images
સ્કીલ્ડ કર્મચારીને નાણાકીય નુકસાન
રીપોર્ટમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તેમની નોકરી કરતાં વધુ કુશળતા ધરાવતા કર્મચારીઓને કેટલા નાણાનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. તેનો ઉલ્લેખ કરાયો છે.
વર્ષ 2013થી 2018 સુધીમાં માઇગ્રન્ટ કર્મચારીઓને 1.25 બિલિયન ડોલર જેટલું નુકસાન ભોગવવું પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ છે અને તેથી જ, બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા માઇગ્રેશનમાં ઘટાડાની પરિસ્થિતી પ્રવર્તી રહી છે.
રીપોર્ટમાં કરવામાં આવેલી ભલામણ
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા દર ચારમાંથી એક માઇગ્રન્ટ તેમની કુશળતા કરતાં નીચા સ્તરની નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળતા CEDA ના રીપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે.
- જેમાં સરકારને ઓનલાઇન માધ્યમ દ્વારા યોગ્ય નોકરી શોધી શકાય તેવા પ્લેટફોર્મ્સ વિકસાવવાની ભલામણ કરાઇ છે. જેથી સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ તથા નોકરીદાતા બંને એક જ સ્થળે ભેગા થઇ શકે.
- પર્મેનન્ટ માઇગ્રન્ટ્સને ચાર મહિના બાદ જ બેરોજગારીના લાભ આપવા જોઇએ જેથી તેઓ તેમની કુશળતા પ્રમાણેની નોકરી શોધી શકે.