ફેડરલ સરકારે સાત તકનીકી ક્ષેત્રોમાં કુશળતા ધરાવતા લોકો માટે ગ્લોબલ ટેલેન્ટ પ્રોગ્રામ નામે ઝડપી ઓસ્ટ્રેલિયન પર્મનન્ટ રેસીડન્સી પ્રદાન કરતા નવા વિઝાની જાહેરાત કરી છે.
ગયા વર્ષે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તકનીકી-કુશળ લોકોને ઓસ્ટ્રેલિયા આકર્ષવા માટેની નવી યોજનાની જાહેરાત કરી હતી. ગ્લોબલ ટેલેન્ટ સ્કીમના નામ હેઠળ આ પ્રોજેક્ટ ગત વર્ષે જુલાઈમાં શરૂ થયો હતો.
આ નવી યોજનાનો બીજો તબક્કો છે, જે વિદેશમાં રહેતા ટેકનિશિયનને ઓસ્ટ્રેલિયા બોલાવી ઝડપી કાયમી રહેઠાણ પ્રદાન કરશે.
આઇટી અને માઇનીંગ ક્ષેત્રોમાં તક
નવા પ્રોજેક્ટને ગ્લોબલ ટેલેન્ટ ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું છે
ઇમિગ્રેશન પ્રધાન ડેવિડ કોલમેને સોમવારે જાહેરાત કરી હતી કે સાત ઉદ્યોગોમાં વિશિષ્ટ કુશળતા વાળા લોકોને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયામાં કાયમી રહેઠાણ આપવામાં આવશે.
તેમને એમ્પ્લોયર અથવા અન્ય કોઈ સ્પોન્સરશિપની જરૂર નથી.
બીજી બાજુ, આ વિઝાનો લાભ ફક્ત તે જ કર્મચારીઓ લઇ શકશે જેમની વાર્ષિક આવક $ 1,49,000 કે તેનાથી વધુ હશે. આ આવક મર્યાદા ફેર વર્ક ઓસ્ટ્રેલિયા દ્વારા ઉચ્ચ આવક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
કૃષિ તકનીક (એગટેક), નાણાકીય ટેકનોલોજી (ફિનટેક), તબીબી તકનીકી (મેડટેક), સાયબર સિક્યુરિટી, એનર્જી અને માઇનીંગ, સ્પેસ એન્ડ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ક્વોન્ટમ ઇન્ફર્મેશન / એડવાન્સ્ડ ડિજિટલ / ડેટા સાયન્સ અને આઇસીટી ક્ષેત્રે અદ્યતન કુશળતા ધરવતા લોકો ને આ વિઝા દ્વારા ઓસ્ટ્રેલિયા આવવા આકર્ષવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ વિઝા માટેની અરજી વિવિધ દેશોમાંથી થઇ શકે છે. પ્રતિભાશાળી ટેકનિશિયન શોધી તેમને ઓસ્ટ્રેલિયા લાવવાના પ્રયાસ રૂપે ગૃહ ખાતાએ ગ્લોબલ ટેલેન્ટ ઓફિસરની નિમણુક વિવિધ દેશોમાં કરી છે.
ભારતમાં પણ પ્રતિભા અધિકારી
દુબઇ, સિંગાપોર, બર્લિન, સેન્ટિયાગો, શંઘાઇ અને વૉશિંગટન ઉપરાંત ઓસ્ટ્રેલિયન સરકારે નવી દિલ્હીમાં વૈશ્વિક પ્રતિભા અધિકારીની નિમણૂક કરી છે.
ઇમિગ્રેશન પ્રધાને કહ્યું કે આ વર્ષે 5,000 લોકોને આ વિઝા આપવામાં આવશે.
ઓછા પગાર દર વાળા ટેકનિશિયનની અછત
કમિટી ફોર ઇકોનોમિક ડિવેલપ્મન્ટ ઓફ ઓસ્ટ્રેલિયાએ નવા ગ્લોબલ ટેલેન્ટ વિઝાને આવકાર્યા છે પરંતુ કહ્યું કે કુશળતાની અછતને સંબોધવામાં સરકારનું આ પગલું પુરતું નથી કારણકે તેમના માત્ર ખુબ ઉંચી આવક ધરાવતા લોકોનો જ સમાવેશ છે.
CEDA ના મુખ્ય સચિવ મેલિંડા સીલેન્ટોએ જણાવ્યું કે ડેટા સાયન્સ જેવા ક્ષેત્રે માત્ર ચીફ ડેટા સાયન્ટિસ્ટની જ અછત નથી પરંતુ જુનીયર લેવલના ડેટા સાયન્ટિસ્ટ અને ડેટા એનાલીસ્ટની પણ અછત છે, પરંતુ તેમની આવક વર્ષે દોઢ લાખ ડોલર નથી હોતી તેથી તેમને આ વિઝાનો લાભ નહિ મળે.