ક્રિકેટક્રેઝી ભારતમાં કોલકાતાનું દંપતિ અનોખું ફૂટબોલ ચાહક

કોલાકાતાના સિનિયર સિટિઝન પન્નાલાલ તથા ચૈતાલી ચેટરજી 1982થી સતત નવ ફૂટબોલ વર્લ્ડ કપના સાક્ષી બન્યા, ફૂટબોલ પ્રેમ વિશે જાણીતું દંપતિ વર્લ્ડ કપના ખર્ચને પહોંચી વળવા કરકસર કરીને અલગ ફંડ રાખે છે. (Images shared by Partha Mukhopadhyay)

Football fans Pannalal and Chaitali Chaterjee

Football fans Pannalal and Chitalee Chaterjee Source: Partha Mukhopadhyay

હાલમાં જ ભારતે સૌ પ્રથમ વખત ફૂટબોલની કોઇ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની યજમાની કરી. ભારતમાં છઠ્ઠી ઓક્ટોબરથી 28મી ઓક્ટોબર 2017 સુધી ફીફા અંડર-17 ફૂટબોલ વર્લ્ડ કપ રમાયો. આ સૌ પ્રથમ વખત હતું કે ભારતે ફીફાની કોઇ પણ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હોય કે ફીફાની ટૂર્નામેન્ટની યજમાની કરી હોય. ફીફા વર્લ્ડ કપ અંડર-17નો તાજ ઇંગ્લેન્ડના નામે રહ્યો જેણે ફાઇનલમાં સ્પેનને 5-2ના અંતરથી પરાજય આપ્યો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજથી આગળ તો ન વધી શકી પરંતુ ભારતે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની સફળતા પૂર્વક યજમાની કરી અને આ ટૂર્નામેન્ટ પ્રેક્ષકોની હાજરીની દ્રષ્ટીએ અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી ટૂર્નામેન્ટ બની ગઇ. જેમાં પ્રેક્ષકોની સંખ્યા લગભગ 1280459 જેટલી નોંધાઇ. ક્રિકેટની લોકપ્રિયતા ધરાવતા દેશ ભારતમાં જ્યાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે અને ક્રિકેટર્સ ભગવાનની જેમ પૂજાય છે. ત્યાં ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ દિવસેને દિવસે વધતો જાય છે તે રમત માટે સકારાત્મક છે. આવા જ ફૂટબોલના એક અનોખા ચાહક કોલકાતામાં રહેતા પન્નાલાલ ચેટરજી (83) અને તેમની પત્ની ચૈતાલી ચેટરજી (76) છે. કોલકાતા શહેરનું દંપતિ પોતાના ફૂટબોલ પ્રત્યેના પ્રેમ વિશે જાણીતું છે. આવો જાણીએ કોલકાતાના આ દંપતિનો ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ, સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ યાદો.
Football fans Pannalal and Chaitalee Chatterjee
Football fans Pannalal and Chaitalee Chatterjee Source: Parth Mukhopadhyay
કોલકાતાના પન્નાલાલ ચેટરજીએ આ અંગે SBS Gujarati સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ 1970ની સાલથી ફૂટબોલની રમતમાં વિવિધ સ્તર સાથે સંકળાયેલા છે. તેમણે ફૂટબોલ એડમિનિસ્ટ્રેટર વોલન્ટિયર તરીકે પોતાની સેવાઓ આપી છે. ફીફા વર્લ્ડ કપ જે દેશમાં યોજાતો હોય તે દેશમાં જ જઇને જોવાની પોતાની સફર વિશે તેમણે જણાવ્યું હતું કે 1982માં સ્પેનમાં યોજાયેલા વર્લ્ડ કપની ટિકિટ તેમના એક મિત્રએ તેમને આપી હતી, તે વર્લ્ડ કપ આર્જેન્ટિનાના સ્ટાર મેરાડોનાનો પ્રથમ વર્લ્ડ કપ હતો. ત્યાર બાદ આ સિલસિલો યથાવત રહ્યો અને 1986માં મેક્સિકોમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પોતાના ફેવરિટ ખેલાડી મેરાડોનાના વર્લ્ડ કપ વિનિંગ ગોલના સાક્ષી બન્યા. ત્યાર બાદ ફૂટબોલ ચાહક આ દંપતિએ 1990માં ઇટાલી, 1994માં અમેરિકા, 1998માં ફ્રાન્સ, 2002માં કોરિયા - જાપાન, 2006માં જર્મની, 2010માં સાઉથ આફ્રિકા અને 2014માં બ્રાઝિલમાં જઇને વર્લ્ડ કપ જોવાનો આનંદ માણ્યો છે.

વર્લ્ડ કપના ખર્ચ માટે એક અલગ ફંડ

દરેક ચાર વર્ષે જે તે દેશમાં જઇને વર્લ્ડ કપ જોવામાં ખર્ચ પણ ખાસ્સો થાય પરંતુ આ દંપતિ પોતાના વ્યક્તિગત ખર્ચ પર કાપ મૂકીને વર્લ્ડ કપ માટે એક અલગ ફંડ રાખે છે. શિપિંગ ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા પન્નાલાલ પોતાને મળતા પેન્શનનો થોડો ભાગ બચાવે છે જ્યારે પત્ની ચૈતાલી સાડીનો બિઝનેસ કરીને ફૂટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ માટે નાણા એકઠાં કરે છે.

Imageઆગામી લક્ષ્યાંક ફીફા વર્લ્ડ કપ 2018

પન્નાલાલે ફૂટબોલ સાથેના પોતાના આગામી લક્ષ્યાંક વિશે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે સતત નવ વર્લ્ડ કપના સાક્ષી બન્યા છીએ. હવે અમારી ઇચ્છા છે કે આગામી વર્ષે રશિયામાં રમાનારો ફીફા વર્લ્ડ કપ 2018 નીહાળીયે. તે અમારો કુલ 10મો વર્લ્ડ કપ બની રહેશે.

પેલે-મેરાડોનાને મળ્યા તે યાદગાર ક્ષણ

પેલે તથા મેરાડોના અનુક્રમે પન્નાલાલ તથા તેમની પત્ની ચૈતાલીના પસંદગીના ખેલાડીઓ છે. ફૂટબોલના રમતને નજીકથી અનુસરનાર દંપતિએ રમતમાં પોતાની યાદગાર ક્ષણને યાદ કરતાં જણાવ્યું હતું કે પેલે સાથેની મુલાકાત તથા તેમની સાથેનો ફોટો એ અત્યાર સુધીની યાદગાર ક્ષણમાની એક છે.

ફૂટબોલમાં ભારતનું ભવિષ્ય ઉજળું

ક્રિકેટ ક્રેઝી દેશ ભારતમાં ફૂટબોલના ભવિષ્ય વિશે વાત કરતાં પન્નાલાલ ચેટરજીએ જણાવ્યું હતું કે ભારતમાં ફૂટબોલનું ભવિષ્ય ઉજળું છે. પહેલાના સમયમાં ફક્ત દેશના અમુક જ ભાગમાં ફૂટબોલની રમત લોકપ્રિય હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે. અમે સમગ્ર ભારતમાં ફૂટબોલની મેચ જોઇ છે. ભારતના કોઇ પણ સ્થળે મેચ યોજાતી હોય તો પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળે છે. હાલમાં જ અંડર-17 ફીફા વર્લ્ડ કપ રમાયો. તે ટૂર્નામેન્ટને ખૂબ જ સારી લોકપ્રિયતા મળી તથા તમામ સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરેલા જણાતા હતા.


Share
Published 7 November 2017 11:54am
Updated 10 November 2017 4:56pm
By Vatsal Patel


Share this with family and friends