વિક્ટોરીયન સરકારે કોરોનાવાઇરસની મહામારીના કારણે મુશ્કેલીનો સામનો કરનારા વેપાર - ઉદ્યોગો માટે 200 મિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે.
આ યોજનામાં મનોરંજન, ડાઇનિંગ તથા મુસાફરીના વાઉચર્સનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન ઓમીક્રોન પ્રકારના કોવિડ ચેપની સંખ્યા વધતા મેલ્બર્ન શહેરના હોસ્પિટાલિટી તથા પ્રવાસન ઉદ્યોગને તેની ગંભીર અસર પહોંચી હતી.
સરકારની આ યોજનામાં 30 મિલિયન ડોલરના મનોરંજન વાઉચર્સનો સમાવેશ થાય છે. જેમાં ગ્રાહકોને થિયેટર, લાઇવ મ્યુઝીક, સિનેમા, મ્યુઝીયમ, ગેલેરી, કોન્ફરન્સ તથા રાજ્યમાં યોજાતા અન્ય કાર્યક્રમોમાં ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે.
આ ઉપરાંત, મેલ્બર્નના શહેરી વિસ્તારની રેસ્ટોરન્ટ્સમાં ઉપયોગમાં લઇ શકાય તેવા 10 મિલિયન ડોલરના વાઉચર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. મેલ્બર્ન મની કૂપન્સ દ્વારા ગ્રાહકો રેસ્ટોરન્ટ્સ, કેફે અને બારમાં તેમના કુલ બિલમાં ડિસ્કાઉન્ટ મેળવી શકશે.
વાઉચર્સની યોજના સમગ્ર રાજ્યમાં લાગૂ થશે. 30 મિલિયન ડોલરના ફંડ દ્વારા રીજનલ વિસ્તારોમાં વાઇન અને ફૂડની ખરીદી પર તે વાપરી શકાશે.
ઇન્ડ્ર્સ્ટ્રી સપોર્ટ એન્ડ રીકવરી મંત્રી માર્ટીન પાકુલાએ જણાવ્યું હતું કે આ પેકેજ 7મી માર્ચથી અમલી બનશે અને મહામારીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા વેપાર - ઉદ્યોગોને સહાયરૂપ સાબિત થશે.

Melbourne's restriction eased Source: AAP
રાજ્ય સરકારે ટ્રાવેલ વાઉચર સ્કીમ અંતર્ગ 30 મિલિયન ડોલરની ફાળવણી નક્કી કરી છે. વિક્ટોરીયાના રહેવાસીઓ રજાઓ દરમિયાન સ્થાનિક પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ શકે તે માટે યોજના અમલમાં આવશે.