એક તરફ પશ્ચિમી સંસ્કૃતિમાં સયુંક્ત કુટુંબનું મહત્વ વધી રહ્યું છે અને જે વિભક્ત કુટુંબ કે જ્યાં દાદા-દાદી ન હોય તેવા કુટુંબના બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળી રહે તે માટે સરોગેટ ગ્રાન્ડપેરેન્ટ્સનું કલ્ચર વધી રહ્યું છે ત્યારે ભારતીય પાઠ્યપુસ્તકમાં છપાયેલા એક નિવેદનની ટીકા થઇ રહી છે. તેમાં છપાયું છે કે, જે કુટુંબમાં માતા-પિતા, દાદા-દાદી તથા વધુ બાળકો હોય તે કુટુંબ ક્યારેય સુખી જીવન વિતાવી શકતું નથી.
આ પ્રકારના નિવેદનની ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે આકરી ટીકા કરી હતી અને તેમણે અધિકારીઓને જરૂરી પગલા લેવા અંગે જણાવ્યું હતું.વિદેશમાં સ્થળાંતર કરનારા મોટાભાગના લોકોના માતા-પિતા પોતાના વતનમાં રહેતા હોય છે તેથી તેમના બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળી શકતો નથી. ઓસ્ટ્રેલિયામાં વસી રહેલા લગભગ 35 ટકા લોકોના માતા પિતા વિદેશમાં જન્મ્યા હોવાથી દાદા-દાદી અને પૌત્ર વચ્ચે ભૌગોલિક રીતે ઘણું લાબું અંતર જોવા મળે છે. તેથી પૌત્રોને દાદા-દાદીનો પ્રેમ મળે તે માટે સરોગેટ ગ્રાન્ડપેરેન્ટ્સની મદદ લેવાઇ રહી છે.
Grandson showing grandfather how to use tablet. Source: Getty Images
જે તેમના નાના બાળકો સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા સમય વિતાવે છે. દાદા-દાદીના પ્રેમથી વંચિત રહેલા પૌત્રોને સરોગેટ ગ્રાન્ડપેરેન્ટ્સની મદદથી જીવનના મૂલ્યો, નૈતિકતા અને પરંપરાનું જ્ઞાન મળી રહે છે અને દાદા-દાદી તથા પૌત્રો વચ્ચે રહેલા અંતરને ઓછું કરવામાં મદદ મળી રહી છે.
જોકે બીજી તરફ, ભારતીય પાઠ્યપુસ્તકમાં છપાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "જે કુટુંબમાં માતા-પિતા, દાદા-દાદી તથા વધુ બાળકો હોય તે કુટુંબ ક્યારેય સુખી જીવન વિતાવી શકતું નથી."
આ નિવેદનની સેહવાગે ટ્વિટરના માધ્યમથી ટીકા કરતા જણાવ્યું હતું કે, "પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું નિવેદન હોવું તે તદ્દન વાહિયાત છે. જે અધિકારીઓ અભ્યાસક્રમ ઘડી રહ્યા છે તેમણે કોઇ પણ પ્રકારનું રીવ્યું કે હોમવર્ક નહીં કર્યાનો આ પુરાવો છે."
જોકે આ પાઠ્યપુસ્તક ક્યાં એજ્યુકેશન બોર્ડનું છે તેની જાણકારી નથી પરંતુ વીરેન્દ્ર સેહવાગે આ ટ્વિટ કરી કે તેને અન્ય લોકોનું પણ સમર્થન મળ્યું હતું અને તેમણે ટ્વિટમાં હ્યુમન રીસોર્સ મિનિસ્ટર પ્રકાશ જાવડેકર તથા પ્રધાનમંત્રી કાર્યાલયને સંબોધીને આ અંગે યોગ્ય પગલા લેવાની વિનંતી કરી હતી.
અન્ય એક વ્યક્તિએ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, "ઘરમાં દાદા-દાદી હોવા એક આશીર્વાદ સમાન છે. જેના ઘરમાં દાદા-દાદી હોય છે તે સુખી કુટુંબ હોય છે." તો વળી અન્ય એક યુઝરે ટ્વિટ કરી હતી કે, "બાળકોને મળતું આ પ્રકારનું ખોટું શિક્ષણ અટકવું જોઇએ".
Indian Grandmother teaching little girl to cook traditional food. Source: Getty Images
"સંયુક્ત કુટુંબ કે જેમાં દાદા-દાદી તથા માતા પિતા હોય તે કુટુંબ સારી રીતે જીવન જીવી શકે છે અને વિભક્ત એટલે કે નાનો પરિવાર પણ સુખી હોઇ શકે છે. પાઠ્યપુસ્તકમાં જો આ પ્રકારનું નિવેદન હોય તો કે ખૂબ જ અપૂરતું લખાણ છે," તેમ ગૌરાંગ જાનીએ ઉમેર્યું હતું.