કોઇ પણ વસ્તુમાં કુશળતા કે તેનું કૌશલ્ય પ્રાપ્ત કરવાની કોઇ ઉંમર હોતી નથી. તે શીખવા માટેના કોઇ ચોક્કસ માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા નથી. જરૂર છે તો ફક્ત ધગશની, તે કળા કે વ્યવસાય શીખવા માટેની ભૂખની. જો તેમ થાય તો કોઇ પણ ઉંમરનો માનવી ગમે તે સમયે પરિસ્થિતિને અનુરૂપ પોતાનો વિકાસ કરીને સફળતા મેળવી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં હાલમાં 1થી 8 સપ્ટેમ્બર સુધી ઓલ્ડર્સ લર્નર્સ વીક (Adult Learners Week) ઉજવાઇ રહ્યું છે. જેમાં પ્રૌઢ લોકોને શિક્ષણ દ્વારા મળેલી સફળતા માટે સન્માનિત કરવા ઉપરાંત તેમને વધુ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા જેવા કાર્યો કરવામાં આવે છે.
આ પ્રકારના જ અનેક કિસ્સા ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સમાજમાં જોવા મળ્યા છે. સાહસિક ગણાતા ગુજરાતી લોકોએ પરિસ્થિતિને અનૂકુળ થઇને ઓસ્ટ્રેલિયામાં સફળતા મેળવીને લોકોને પ્રેરણા પૂરી પાડી છે. તો આવો જાણિએ ઓસ્ટ્રેલિયામાં રહેતા પ્રૌઢ ગુજરાતીઓની સંઘર્ષગાથા તથા તેમની સફળતા વિશે.મૂળ મુંબઇના નીલિમાબેન ગાંધીએ હોમીઓપેથીનો અભ્યાસ કર્યો હતો પરંતુ લગ્ન બાદ તેઓ પરિવાર સાથે કેન્યા સ્થળાંતરીત થયા હતા અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરના જંડાકોટ વિસ્તારમાં આવેલી ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ હોલિસ્ટિક મેડિસિનમાં તેઓ હોમીઓપેથીના વ્યાખ્યાતા ઉપરાંત ડોક્ટર તરીકે પોતાની કારકિર્દી આગળ વધારી હતી.
Older man Reading Book In Library. Source: Getty/Bishwajeet Banerjee EyeEm
પરંતુ નીલિમાબેનને હોમીઓપેથીમાં કોઇ ખાસ તક ન જણાતા તેમણે વ્યવસાય બદલવાનું નક્કી કર્યું અને 40 વર્ષની ઉંમરે તેમણે અભ્યાસ કરવાની સાથે વ્યવસાય પણ બદલી ડિસેબિલીટી સર્વિસમાં સર્ટિફિકેટ ત્રણ અને ચારનો કોર્સ કર્યો ત્યાર બાદ ટ્રેનિંગ અને એસેસર સર્ટિફિકેટ ચારનો કોર્સ, માનસિક આરોગ્યમાં સર્ટિફિકેટ ચારનો અભ્યાસ કર્યો.
તેમણે પ્રાથમિક ચિકિત્સાના ટ્રેનર તરીકે પણ પ્રશિક્ષણ લીધું. તેઓ અત્યારે વિકલાંગો માટેની સેવામાં ટ્રેનિંગ ક્વોલિટી એસ્યોરન્સ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત સરકારના અનુદાન માલ્ટા પ્રોજેક્ટમાં પણ પોતાની સેવાઓ આપવાની સાથે સાથે હોમિઓપેથીનો પ્રેક્ટિસ પણ કરે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં બહાર પાડવામાં આવેલી વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે, 65 કે તેથી વધુ ઉંમરે વ્યવસાય કરતાં હોય તેવા લોકોની સંખ્યા 13 ટકા જેટલી પહોંચી છે, જે 2006માં 8 ટકા જેટલી હતી.
વર્ષ 2006માં, 65 વર્ષથી વધુની ઉંમર ધરાવતી માત્ર 4 ટકા મહિલાઓ જ વ્યવસાય કરી રહી હતી જે 2016માં 9 ટકા સુધી પહોંચ્યું છે.
પ્રૌઢ વયની મહિલાઓમાં વ્યવસાયને અનૂરૂપ શિક્ષણ મેળવવાનો ખ્યાલ વિકસી રહ્યો છે ત્યારે અન્ય એક ગુજરાતી નલિનીબેને (નામ બદલ્યું છે) કેન્યામાં આઇ.ટીની કોબોલ લેંગ્વેજના પ્રોગ્રામરનો અભ્યાસ કર્યો હતો અને તેમની સાથે માત્ર સાત ડોલરની મૂડી લઇને પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પર્થ શહેર આવ્યા હતા.
કેન્યામાં કરેલા અભ્યાસના આધારે તેમને નોકરી ન મળતા તેમણે અહીં હેર ડ્રેસિંગ અને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો. તે નોકરીમાં પણ ખાસ સફળતા ન મળતા આખરે નલિનીબેને ટેઇફમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કર્યો અને એચ એન્ડ આરમાં થોડા કલાક માટે એકાઉન્ટંટ તરીકેની નોકરી કરી.
વિવિધ જગ્યાએ એકાઉન્ટંટ તરીકે વ્યવસાય કર્યા બાદ ચાર્ટડ ટેક્સ સલાહકારનો કોર્સ કર્યો અને હાલમાં તેઓ પર્થમાં એકાઉન્ટંટ તરીકે નોકરી કરવાની સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ પોતાની સ્વૈચ્છિક સેવાઓ આપે છે.અન્ય એક ગુજરાતી દંપતિ લલિતભાઇ તથા મીનાબેન શીંગાળા લગભગ દસ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયાના પર્થમાં સ્થાયી થયા હતા. લલિતભાઇએ એન્જીનીયરીંગ એન્ડ ઇન્સ્ટુમેન્શનમાં 35 વર્ષ સુધી કામ કર્યા બાદ તેમને પર્થમાં યોગ્ય નોકરી ન મળતા તેમણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને હેલ્થ એન્ડ સેફ્ટીમાં સર્ટિફિકેટ ચારનો અભ્યાસ કર્યો હતો. હાલમાં અંદાજે 70 વર્ષની ઉંમરે તેઓ અભ્યાસ કરીને સ્વયંસેવક તરીકે પોતાની સેવાઓ આપે છે. આ ઉપરાંત પોલિસ વિભાગમાં તેઓ ટ્રાફીક વોર્ડનનું કામ પણ કરે છે.
Lalitbhai and Minaben. Source: Amit Mehta
અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરનારા મીનાબેને ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા બાદ એજ્યુકેશન સપોર્ટમાં સર્ટીફિકેટ ત્રણ પાસ કર્યું અને એક સિનિયર તથા પ્રાથમિક શાળામાં શિક્ષક સહાયક તરીકે પણ સેવા આપી હતી.
એડલ્ટ લર્નિંગ ઓસ્ટ્રેલિયાની એડ્વોકસી ગ્રૂપના ચીફ એક્સીક્યુટીવ જેની મેકાફેરના જણાવ્યા પ્રમાણે, "પ્રૌઢ લોકોને તેમના વ્યવસાયની કળામાં સુધારો કરવાની તથા તેને નીખારવાની જરૂર છે. કેટલાક પ્રૌઢ લોકો ઓસ્ટ્રેલિયન વ્યવસાય ઉદ્યોગમાં પોતાની સેવાઓ આપવા માગે છે જ્યારે કેટલાક લોકો તે વ્યવસાયમાં પરત ફરવા માગે છે પરંતુ કેટલીક મર્યાદાઓના કારણે તેઓ પરત ફરી શકતા નથી."ઘણા વર્ષો બાદ વ્યવસાયમાં પરત ફરનારા મૂળ અમદાવાદના રન્નાબેને ગુજરાત યુનિવર્સીટીમાંથી સોશિયોલોજીમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યા બાદ પતિ સાથે ન્યૂઝીલેન્ડ ગયા હતા અને ત્યાં ન્યૂઝીલેન્ડ ઓપન પોલિટેક્નિકમાં વ્યવસાયિક નીપુણતા માટેનો દોઢ વર્ષનો અભ્યાસ કરી નોકરી કરી શરૂ કરી. ન્યૂઝીલેન્ડનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યા બાદ પરિવાર સાથે ભારત આવ્યા.
Rannaben Mehta. Source: Amit Mehta
જોકે અન્ય પારિવારિક કારણોસર તેઓ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા અને અહીં કસ્ટમર સર્વિસમાં નોકરી કરી, આરોગ્ય ક્ષેત્રમાં વધુ સારી તક જણાતા સામાજિક સર્વિસમાં સર્ટિફિકેટ ત્રણનો અભ્યાસ કર્યો અને અત્યારે છેલ્લા સાત વર્ષથી વૃદ્ધાશ્રમમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં પ્રૌઢ શિક્ષણ માટે ચાલતા કેટલાક કોર્સ લાયક ઉમેદાવાર માટે જ હોય છે અને તે તમામ લોકોને તેનો લાભ મળી શકતો નથી. જે અંગે સુધારો કરવા અંગે મેકાફેરે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
"કેટલાક વ્યવસાયિક અભ્યાસક્રમ લાયક ઉમેદવારો માટે જ હોય છે. સમાજમાં રહેતા તમામ લોકોને યોગ્ય અને પોષાય તેવા વ્યવસાયિક અભ્યાસક્રમની સુવિધા મળી રહે તે જરૂરી છે," તેમ મેકાફેરે જણાવ્યું હતું.
2016ની વસ્તી ગણતરી પ્રમાણે, ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીમાં 15 ટકા લોકો 65 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવે છે અને એક અનુમાન પ્રમાણે તે આંકડો 2056 સુધીમાં 22 ટકા સુધી પહોંચી શકે તેમ છે. તેથી ઓસ્ટ્રેલિયામાં 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને યોગ્ય વ્યવસાય મળી તે જરૂરી બન્યું છે.