ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં સેલેબ્રલ પાલ્સીથી પીડિત 6 વર્ષીય ભારતીય મૂળના બાળકના વિસા રદ કર્યા છે.
આ ઘટનાના ઘણા ઉંડા પ્રત્યાઘાત પડ્યા છે. ડીસેબિલીટી ડિસ્ક્રીમિનેશન કમિશ્નર બેન ગૌન્ટલેટના જણાવ્યા પ્રમાણે વિસા રદ કરવા તે આંતરરાષ્ટ્રીય દાયિત્વનું ઉલ્લંઘન છે.
એબીસીમાં પ્રસિદ્ધ થયેલા એક રીપોર્ટ પ્રમાણે - ભારતીય મૂળના 6 વર્ષીય કયાન કત્યાલને સેરેબ્રલ પાલ્સી હોવાથી ઓસ્ટ્રેલિયન સમુદાય પર મોટો નાણાકિય બોજ પડી શકે તે કારણોસર તેની ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટે રેસીડન્સી વિસાની અરજી નકારવામાં આવી હતી.
બેન ગૌન્ટલેટે જણાવ્યું હતું કે માઇગ્રેશન એક્ટમાં સુધારાની જરૂર છે. જેથી ડિસેબિલીટીની પરિસ્થિતી સાથે જીવતા લોકો સાથે અન્યાય ન થાય.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેનેડાએ આ અંગે તેમના માઇગ્રેશન એક્ટમાં સુધારો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પણ ફેરફાર કરવાની જરૂર છે.બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના નિવેદન પ્રમાણે, માઇગ્રેશન પોલિસી એક વ્યક્તિના કારણે સમુદાયને કેટલો ખર્ચ થશે તેના આધારે નિર્ણય લે છે.
Disability Discrimination Commissioner Ben Gauntlett. Source: Supplied
ગૌન્ટલેટના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાની દિવ્યાંગ લોકો સાથેની પોલિસી યુનાઇટેડ નેશન્સ દ્વારા દિવ્યાંગ લોકોને આપવામાં આવેલા અધિકારોથી વિપરીત છે.
કયાન કત્યાલના કેસ પર એક નજર
કયાનનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તેના પિતા 12 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને યુરોપિયન કૂકરીનો અભ્યાસ કર્યો હતો.
તેઓ હાલમાં શેફ તરીકે કાર્ય કરી રહ્યા છે.
કયાનના માતા પ્રિયંકા 8 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા.
ગયા મહિને કયાનની પર્મેનન્ટ રેસીડન્સીની અરજી નકારવામાં આવી હતી.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેની વર્તમાન પરિસ્થિતી ઓસ્ટ્રેલિયન સમાજને પ્રાપ્ત થતી સામુદાયિક સુવિધા અને આરોગ્ય સેવા પર નાણાકિય બોજ બની શકે છે.
ગ્રીન્સ સેનેટર જોર્ડન સ્ટેલી -જોહ્ન કે જેમને પોતાને સેલેબ્રલ પાલ્સીની પરિસ્થિતી છે. તેઓ જણાવે છે કે સરકારનો આ નિર્ણય ખૂબ જ ચિંતાજનક છે.
તેમણે સુનવણીમાં જણાવ્યું હતું કે જો કોઇ બાળક શારીરિક પરિસ્થિતીનો સામનો કરતું હોય અને તેના કારણે તેનો દેશ નિકાલ કરવામાં આવે તે ખૂબ જ ચિંતાજનક છે.
ઓસ્ટ્રેલિયાની નેશનલ ડિસેબિલીટી ઇન્સ્યોરન્સ સ્કીમ પણ દિવ્યાંગતા દેશની આરોગ્ય પ્રણાલી પર બોજ નહીં હોવાનું જણાવે છે.
બેન ગૌન્ટલેટે ઇમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હૉકને કયાનના કેસમાં માનવિય અભિગમ અપનાવવાની વિનંતી કરી હતી.
વર્ષ 2010માં સંસદમાં પ્રસ્તુત કરવામાં આવેલી ભલામણમાં દિવ્યાંગતાનો સામનો કરી રહેલા લોકોના વિસા મંજૂર કરવામાં સરળતા રાખવા જણાવ્યું હતું.
કેનેડાએ પણ આ પ્રકારની ટીકાનો સામનો કર્યા બાદ તેમના માઇગ્રેશન એક્ટ 2018માં ફેરફાર કર્યા છે.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના પ્રવક્તાના નિવેદન પ્રમાણે, કોઇ પણ દિવ્યાંગ અરજીકર્તા સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવતું નથી. તમામ અરજીકર્તા સાથે એકસરખો અભિગમ અને પારદર્શિતા દાખવવામાં આવે છે.
ડીપાર્ટમેન્ટ કોઇ પણ વ્યક્તિગત કેસ અંગે ટીપ્પણી નહીં કરતો હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું.