ભારતમાં આર્યુર્વેદ, યોગ અને હોમિયોપેથી જેવી પરંપરાગત પદ્ધતિ દ્વારા વિવિધ રોગોની સારવાર લેવા ઇચ્છતા વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકાર આયુષ વિસા શરૂ કરશે.
ભારતમાં મેડિકલ ટુરીઝમ વિકસાવવાની ઝુંબેશ અંતર્ગત આ પહેલ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ વિસાને લગતી જાહેરાત કરી હતી.
જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે તાજેતરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેનિશનલ મેડિસીનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
વિશ્વની 125 જેટલી તબીબી પદ્ધતિના પ્રચાર - પ્રસારનું કાર્ય આ કેન્દ્ર દ્વારા કરવામાં આવશે.
વિશ્વમાં તબીબી પદ્ધતિના પ્રચાર માટેનું આ પ્રથમ કેન્દ્ર છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેસિયસ તથા મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ પણ ઉપસ્થિત હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અલાયદુ આયુષ મંત્રાલય બનાવ્યું છે. આ મંત્રાલયની સ્થાપનાના સાત વર્ષમાં પરંપરાગત ઉપચાર પદ્ધતિનો વ્યાપ 6 ગણો વધ્યો છે.
કોવિડ-19ના સમય દરમિયાન આયુર્વેદિક ઔષધિઓએ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો ફાળો આપ્યો હતો અને ત્યાર બાદ તેમને આ પરિષદ યોજવાનો વિચાર આવ્યો હતો.