વતનથી હજારો કિલોમીટર દૂર રહીને પણ ક્રિસમસની શાનદાર ઉજવણી

Christmas in Australia

Source: Supplied

સમગ્ર વિશ્વમાં હાલમાં ક્રિસમસના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. અઠવાડિયા સુધી મનાવાતા આ તહેવારને ક્રિશ્ચિયન ધર્મના લોકો પરંપરાગત રીતે ઉજવે છે. વતન ભારતથી હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી મૂળના ક્રિશ્ચિયન સમાજના સભ્યો પણ ક્રિસમસના તહેવારને અનોખી રીતે ઉજવવા આતુર છે. તો પ્રસ્તુત છે ક્રિસમસના તહેવાર અને ઓસ્ટ્રેલિયામાં થનારી ઉજવણી અંગે તેમની સાથેની વાતચીત...


વિશ્વભરમાં ક્રિસમસના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ક્રિશ્ચિયન ધર્મ પાળતા લોકો આ તહેવાર તેમના પરિવારનજનો, સગા-સંબંધીઓ અને મિત્રો સાથે મળીને ઉજવે છે.

ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી – ક્રિશ્ચિયન સમાજના સભ્યો વતનથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં પણ અઠવાડિયા સુધી મનાવાતા આ તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવશે.

વર્ષ 2018માં જ ઓસ્ટ્રલિયા સ્થાયી થનારા બેનેટ્ટ એલ્વીન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેલાયમાં તેમની પ્રથમ ક્રિસમસ માટે આતુર છે.

તેમના જણાવ્યા પ્રમાણે, ગુજરાતથી દૂર રહીને ક્રિસસમની ઉજવણી કરવી એક અલગ જ અનુભવ બની રહેશે.
ગયા વર્ષે અમે ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે શરૂઆતમાં એકલતા અનુભવાઇ હતી પરંતુ ત્યાર બાદ ચર્ચમાં પ્રાર્થનાસભામાં જતા-આવતા અમારા મિત્રો બન્યા અને હવે અમે પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરીશું, તેમ બેનેટ્ટે ઉમેર્યું હતું.
જોકે, વતન ગુજરાતમાં રહેતા પરિવારજનોને ક્રિસમસના સમય દમરિયાન યાદ કરતા બેનેટ્ટે જણાવ્યું હતું કે, નાનપણથી વતન ગુજરાતમાં ક્રિસમસની પરંપરાગત રીતે ઉજવણી કરી છે એટલે વતનથી દૂર પ્રથમ વખત તહેવાર ઉજવીશું ત્યારે પરિવારની ખૂબ જ યાદ આવશે.

પરંપરાગત મીઠાઇ – વાનગી દ્વારા ઉજવણી

સરોજબેન ક્રિશ્ચિયનના જણાવ્યા પ્રમાણે, ક્રિસમસના તહેવાર દરમિયાન પરંપરાગત મીઠાઇ બનાવવી જરૂરી છે. આ ક્રિસમસના તહેવારમાં તેઓ ચૂરમાના લાડુ અને અન્ય વાનગીઓ બનાવીને મહેમાનોને પીરસશે.

આ ઉપરાંત, તેમણે પરિવારના સભ્યો સાથે મળીને ઘરમાં ક્રિસમસ ટ્રી દ્વારા સજાવટ પણ કરી છે.

ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસની પરંપરાગત ઉજવણી

12 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા સ્થાયી થનારા અશોક મેકવાન ક્રિસમસનો તહેવાર પરંપરાગત રીતે ઉજવશે.
સવારે પ્રાર્થના બાદ મિત્રો અને પરિવારજનો સાથે ઉજવણી અંગે આયોજન કરી રહેલા અશોકે જણાવ્યું હતું કે ભારતથી દૂર રહીને પણ પરંપરા અને સંસ્કૃતિ ભૂલ્યા નથી. પરંતુ વતનમાં કરેલી ક્રિસમસની ઉજવણી ઘણી યાદ આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, ચર્ચમાં પ્રાર્થના બાદ એકસાથે ભોજનનો કાર્યક્રમ થાય છે મિત્રો અને સગાસંબંધીઓના ઘરે જઇને તેમને ક્રિસમસની શુભેચ્છા પાઠવીએ છીએ અને સમગ્ર અઠવાડિયું તહેવારની ઉજવણી કરીએ છીએ.

ઓસ્ટ્રેલિયામાં પણ ક્રિસમસના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, તેમ અશોકે જણાવ્યું હતું.


Share