કોરોનાવાઇરસના કારણે સામાન્ય લોકો માટે મંદિર બંધ કરાતા સોમનાથ મંદિરના મેનેજમેન્ટ દ્વારા ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઇ હતી તેમ જનરલ મેનેજર વિજયભાઇ ચાવડાએ જણાવ્યું હતું.
હાઇલાઇટ્સ
ભારતમાં લોકડાઉન અમલમાં મૂકાતા સોમનાથ, મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર, શીરડી, વૈષ્ણોદેવી જેવા સુપ્રસિદ્ધ મંદિરો ભક્તો માટે બંધ કરાયા હતા.
ઓસ્ટ્રેલિયામાંથી લગભગ 20 હજાર લોકોએ ઓનલાઇન દર્શન કર્યા હતા.
8મી જૂનથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અમલમાં મૂકીને ભક્તો માટે મંદિર ફરી શરૂ થઇ રહ્યા છે
કોરોનાવાઇરસના કારણે સોમનાથ મંદિર દ્વારા તેના ફેસબુક, ટ્વિટર અને ઇસ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઇ હતી.
વિશ્વના 45 દેશોમાંથી લગભગ 6.5 કરોડ લોકોએ આરતી તથા લાઇવ દર્શન કર્યા હતા તેમ વિજયભાઇએ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાંથી લગભગ 20 હજાર લોકોએ ઓનલાઇન દર્શન કર્યા હતા.
ભારતના અન્ય મંદિરોમાં પણ ઓનલાઇન પૂજા
ભારતના અન્ય સુપ્રસિદ્ધ મંદિરો જેમ કે મુંબઇના સિદ્ધિવિનાયક, શીરડી સાંઇબાબા સંસ્થાને પણ કોરોનાવાઇરસના કારણે ભક્તો માટે મંદિર બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, આ તમામ મંદિરોમાં ઓનલાઇન માધ્યમ દ્વારા દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હતી.
આજથી આ નિયમો સાથે મંદિરો ખુલી રહ્યાં છે
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને અમલમાં મૂકીને 8મી જૂનથી સોમનાથ મંદિર ફરી ભક્તો માટે ખુલ્લુ મૂકાશે. તમામ ભક્તોનું તાપમાન માપીને જ તેમને પ્રવેશ અપાશે, તથા એક સાથે 20 લોકોને જ મંદિરમાં પ્રવેશ મળશે.
આ ઉપરાંત, મંદિરોમાં પ્રસાદ વહેંચાશે નહીં અને સમૂહમાં ભજન-કિર્તન ગાવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
BAPS સ્વામિનારાયણ મંદિર, સિડનીમાં દર્શન માટે રજીસ્ટ્રેશન
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરને 2જી જૂન 2020થી ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. જોકે, રજીસ્ટ્રેશન કરાવનારા ભક્તોને જ મૂર્તિ દર્શન માટે પ્રવેશ મળશે. અને, ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.