કોરોનાવાઇરસની મહામારીમાં ટેલીહેલ્થ વીડિયો સેવાનો લાભ લેતા સિનિયર સિટીઝન્સ

Nainaben (R) with his husband Pravin (L).

Nainaben (R) with his husband Pravin (L). Source: Supplied

કોરોનાવાઇરસના કારણે ડોક્ટરની રૂબરૂ મુલાકાતને બદલે ફોન પર જ તેમની સેવાનો લાભ લેવા લોકોને પ્રોત્સાહિત કરાય છે. ત્યારે, ઘરે રહીને જ ડોક્ટર અને દુભાષિયાની સર્વિસ વીડિયો કોલના માધ્યમથી મેળવતા સિડનીના નૈનાબેન પ્રવિણ ચૌહાણે SBS Gujarati સાથે તેમના અનુભવ વિશે વાત કરી હતી.


કોરોનાવાઇરસના કારણે વિવિધ સેવાઓની જેમ ડોક્ટરની સર્વિસ પણ ઘરે રહીને જ મળી રહે તે માટે ટેલીહેલ્થ વીડિયો કોન્ફરસનો સહારો લેવામાં આવી રહ્યો છે. 

સિડનીના નૈનાબેન પ્રવિણ ચૌહાણ હાલમાં ડોક્ટર અને દુભાષિયાની સર્વિસ વીડિયો કોલના માધ્યમથી મેળવી રહ્યા છે. તેમણે SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ તેઓ ડોક્ટરની રૂબરૂ મુલાકાત લેતા હતા પરંતુ હવે કોરોનાવાઇરસના સમયમાં તેઓ ટેલીહેલ્થ દ્વારા ડોક્ટરની સેવાનો લાભ લઇ રહ્યા છે. 

આ ઉપરાંત, બિન-અંગ્રેજી સમુદાયના દર્દીઓ ડોક્ટર સાથેનો સંવાદ સમજી શકે તે માટે તેમને દુભાષિયાની સર્વિસ ઉપલબ્ધ કરાવાય છે. 

નૈનાબેનને હાલમાં હિન્દી ભાષામાં દુભાષિયાની સર્વિસ આપવામાં આવે છે. 

ડોક્ટર, ભાષાંતર કરનાર વ્યક્તિ અને નૈનાબેન અલગ અલગ સ્થળ પર હોય છે પરંતુ, તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એકબીજા સાથે વાર્તાલાપ કરે છે. 

વીડિયો કોન્ફરન્સ દ્વારા ડોક્ટર તથા દુભાષિયાની સેવાનો લાભ મેળવનારા નૈનાબેને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ફોન પર વાર્તાલાપ કરીને ડોક્ટરની સલાહ લેવા કરતા વીડિયોના માધ્યમથી ડોક્ટર સાથે વાત કરવાનો ઘણો લાભ થાય છે.

એક રીસર્ચ પ્રમાણે, સામાન્ય સંજોગોમાં પણ બિન-અંગ્રેજી સમુદાયના લોકો નિયમિતપણે આરોગ્ય સુવિધાનો લાભ લેતા નથી. અને, કોરોનાવાઇરસના સમયમાં તેઓ ડોક્ટરની રૂબરૂ મુલાકાત લઇ શકે તેવી પરિસ્થિતીમાં ન હોવાથી ટેલિહેલ્થ વીડિયો સર્વિસ તેમના માટે લાભદાયી નીવડે છે. 

ન્યૂ સાઉથ વેલ્સ એજન્સી ફોર ઇનોવેશન ખાતે ટેલીહેલ્થ મેનેજર ડોના પાર્ક્સે SBS NEWSને જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસના સમયમાં વીડિયો માધ્યમથી દુભાષિયાની સેવા ઘણી ઉપયોગી સાબિત થઇ છે. ડોક્ટર હોસ્પિટલથી, દર્દી તેમના ઘરેથી અને દુભાષિયા સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં પણ ત્રણેય એકસાથે એક જ માધ્યમ પર જોડાય છે 

નૈનાબેન ચૌહાણે વીડિયો માધ્યમથી દુભાષિયાની સર્વિસનો લાભ લેવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને કોરોનાવાઇરસ મહામારી બાદ પણ આ સર્વિસ શરૂ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

Share