ન્યૂ સાઉથ વેલ્સ સ્થિત ગુજરાતી કુટુંબોના સહયોગથી પ્રતાપભાઇ અમીને વર્ષ 1985માં નવરાત્રી કલ્ચરલ ગ્રૂપની શરૂઆત કરી હતી.
વર્ષ 1972થી પ્રતાપભાઇ અમીને અન્ય સ્થાનિક ગુજરાતીઓની મદદથી નવરાત્રીના આયોજનનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતના પાંચ વર્ષ ગરબાનું આયોજન બેકયાર્ડમાં કરવામાં આવતું હતું અને ત્યાર બાદ ગુજરાતી સમાજના સભ્યોની સંખ્યા વધતા તેને કમ્યુનિટી હોલમાં આયોજિત કરવામાં આવવા લાગ્યા.
તે દિવસોમાં નવરાત્રીના ગરબાનો ખર્ચ ફક્ત એક અથવા ઘણા બધા પરિવારો દ્વારા ઉઠાવવામાં આવતો હતો. પ્રતાપભાઇ અને તેમના કલાકારો ગરબા રજૂ કરતા હતા અને તે માટે કોઇ પણ ફી ઉઘરાવવામાં આવતી નહોતી.
પરંતુ, વર્ષ 1984-85માં સિડની તથા ન્યૂ સાઉથ વેલ્સમાં ગુજરાતી સમાજના સભ્યોની સંખ્યા વધતા અને બેકયાર્ડ નાના પડતા પ્રતાપભાઇ અને અન્ય સભ્યોએ એક સર્વે તૈયાર કર્યો અને ન્યૂ સાઉથ વેલ્સમાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજના સભ્યોની મરજી જાણી. મોટાભાગના સભ્યોએ ગરબાના આયોજનને કમ્યુનિટી પ્રસંગ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ અને આયોજનના ખર્ચને પહોંચી વળવા માટે મામૂલી ચાર્જ લેવાની શરૂઆત કરી હતી.
આ પ્રમાણે નવરાત્રી કલ્ચરલ ગ્રૂપની શરૂઆત થઇ હતી. આ તમામ વર્ષોમાં કલાકારો બદલાયા, કમિટી પણ બદલાઇ પરંતુ પારંપરિક રીતે નવરાત્રી કરવાનો ખ્યાલ અંકબંધ રહ્યો હતો.
કાંન્તિભાઇ અને પ્રતિભાબેન ગોકાણી તથા દિનેશ અને નિલીમાબેન શાહ નવરાત્રી કલ્ચરલ ગ્રૂપની શરૂઆતથી જ ગ્રૂપ સાથે જોડાયેલા છે. દરેક વર્ષે નવરાત્રીના પ્રથમ શનિવારે ગરબાનું આયોજન કરવામાં આવે છે.
નવરાત્રી કલ્ચરલ ગ્રૂપ વિશે તથા ગરબાના કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે ગ્રૂપના સ્વયંસેવક હેમલ જોષી સાથેની વાતચીત સાંભળો.
More stories on SBS Gujarati
ગરબા કાર્યક્રમ દ્વારા સ્થાનિક કલાકારોને મળતી અનોખી તક