શનિ- રવિમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયા, તાસ્મેનિયા, એ.સી.ટી. અને ન્યુ સાઉથ વેલ્સ રાજ્યોને વર્ષના સૌથી ઠંડા હવામાન માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે.
તોફાની પવનને કારણે વ્યાપક નુકસાનની શક્યતા છે.
શુક્રવાર બપોર સુધીમાં લગભગ ૩૧ ફ્લાઈટ રદ્દ કરવી પડી હતી. સિડની અને મેલબર્નના એરપોર્ટ પર એક-એક રનવે જ કામ કરી રહ્યા હતા.
વિક્ટોરિયા રાજ્ય માટે ગંભીર હવામાન બાબતોના મેનેજર સ્ટીવન મેકગિબનીએ સલાહ આપી છે કે હવામાન ઠંડુ થવાની સાથે તોફાની પવન અને વરસાદની પણ શક્યતા છે એટલે લોકોએ બર્ફીલા તોફાન જેવી પરિસ્થિતિની તૈયારી રાખવી પડશે.
બેકયાર્ડમાં ફર્નિચર કે ટ્રેમપોલીન હોય તો તેને સુરક્ષિત સ્થાને ખસેડી લેવા. પાળેલાં જાનવરોને પણ બહાર રાખવા નહિ. વરસાદ અને તોફાની પવનમાં વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું. આલ્પાઇન વિસ્તારોમાં રહેતા કે તેની મુલાકાતે જવાનું વિચારી રહેલા લોકોએ તીવ્ર હવામાનની ખાસ નોંધ લેવી અને સાવચેતીના તમામ પગલા લેવા અનિવાર્ય છે.
વિક્ટોરિયા રાજ્યના બેલારાટમાં તો સતત છ દિવસ સુધી અતિશય ઠંડી રહેશે જે ૧૯૯૫ના ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા ઠંડીના રેકોર્ડ તોડે તેવી સંભાવના છે.