સિનિયર સિટીઝન્સને મળી બાળપણની યાદો તાજી કરવાની તક

Senior citizens in Sydney took part in a cricket match.

Senior citizens in Sydney took part in a cricket match. Source: Chinmay Mehta

વરિષ્ઠ નાગરિકો માટે સિડનીના ટુંગાબી વિસ્તારમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, ક્રિકેટ, મ્યુઝીકલ ચેર તથા રિલે રેસ જેવી રમતોમાં લગભગ 120 ખેલાડીઓએ ભાગ લીધો.


પશ્ચિમ સિડનીના ટુંગાબી વિસ્તારમાં આવેલા ગિરાવીન પાર્કમાં ગુજરાતી સમાજના સિનિયર સિટીઝન્સ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન યુનાઇટેડ ગુજરાતીસ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા કરાયું હતું. જેમાં લગભગ 120 જેટલા સિનિયર સિટીઝન્સે ભાગ લીધો હતો.
Sports Day for senior citizens organised in Sydney's west.
Sports Day for senior citizens organised in Sydney's west. Source: Chinmay Mehta

કોરોનાવાઇરસના નિયંત્રણો હળવા થયા બાદ પ્રથમ કાર્યક્રમ

કાર્યક્રમ વિશે માહિતી આપતા આયોજક ચિન્મય મહેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોરોનાવાઇરસના નિયંત્રણોના કારણે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલા સિનિયર સિટીઝન્સ સામાજિક મેળાવડા કરવાથી વંચિત રહ્યા હતા.

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં નિયંત્રણો હળવા થયા બાદ ગુજરાતી સમાજના વરિષ્ઠ નાગરિકો એકબીજાને અગાઉની જેમ જ મળી શકે તથા આનંદ - પ્રમોદ કરી શકે તે માટે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો.
Senior citizens in Sydney took part in a sports day.
Senior citizens in Sydney took part in a sports day. Source: Chinmay Mehta

વિવિધ રમતોનો સમાવેશ

તાજેતરમાં ટુંગાબીમાં ગિરાવીન પાર્કમાં સિનિયર સિટીઝન્સના સ્પોર્ટ્સ ડેમાં ક્રિકેટ, મ્યુઝીકલ ચેર તથા રીલે રેસનો સમાવેશ કરાયો હતો. સ્પર્ધામાં ભાગ લઇને વિજેતા બનેલા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વરિષ્ઠ નાગરિકોએ બાળપણ યાદ કર્યું

સ્પર્ધામાં ભાગ લેનારા વરિષ્ઠ નાગરિકોએ જણાવ્યું હતું કે વિવિધ રમતો રમીને અમને ફરીથી અમારા બાળપણની યાદો તાજી કરવાની તક મળી હતી. મોટાભાગના ખેલાડીઓએ લગભગ 40 વર્ષ બાદ રમતોનો આનંદ માણ્યો હોવાનું જણાવ્યું હતું.

સ્પર્ધકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ચિન્મય મહેતાએ જણાવ્યું હતું.
Senior citizens in Sydney took part in a sports day.
Senior citizens in Sydney took part in a sports day. Source: Chinmay Mehta
તેમણે ઉમેર્યું હતું કે, રમતોત્સવનું આયોજન ફક્ત આનંદ માટે કરાયું હતું પરંતુ સ્પર્ધામાં ભાગ લીધા બાદ ખેલાડીઓ જુસ્સામાં આવી ગયા હતા અને એકબીજાને મજબૂત સ્પર્ધા આપી હતી.

યુનાઇટેડ ગુજરાતીસ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ ચેતન કુસુમગરે જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો તરફથી મળેલા પ્રતિસાદ તથા કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ વધુ કાર્યક્રમો કરવાનું આયોજન છે.

વિવિધ મધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share