ઓસ્ટ્રેલિયાની વર્તમાન નિતી પ્રમાણે, નોકરી – ધંધામાં કુશળ કામદારોની અછતને પૂરી કરવા માટે દેશમાં કામચલાઉ એટલે કે ટેમ્પરરી માઇગ્રન્ટ્સને બોલાવવામાં આવે છે. જેના કારણે કાયમી માઇગ્રન્ટ્સ, પર્મેનન્ટ રેસીડેન્ટ્સ અને દેશના નાગરિકોની સાથે અન્યાય થાય છે, તેમ લેબર પાર્ટીના હોમ અફેર્સ પ્રવક્તા ક્રિસ્ટીના કેનેલીનું માનવું છે.
તેમના માનવા પ્રમાણે, કામચલાઉ માઇગ્રન્ટ્સના ઓસ્ટ્રેલિયા આવવાથી અહીં કુદરતી આપદાના સમયે યોગ્ય સર્વિસ પૂરી પાડવામાં મુશ્કેલી પડે છે અને વિવિધ પ્રકારના પ્રશ્નો સર્જાય છે.
મેલ્બર્ન ખાતે યોજાનારા એક લેક્ચરમાં તેઓ જણાવશે કે, ત્રણ મિલીયન લોકોના દેશમાં 12 ટકા લોકો એવા પણ છે જેમનો આ દેશમાં કોઇ હિસ્સો કે દેશના ભવિષ્યને નક્કી કરવાનો અધિકાર નથી. તેથી જ સરકારે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે આપદાના સમયે સરકારની સહાયતા અથવા રાહત ફંડ મેળવવાના હકદાર ન હોય તેવા લોકોને કેવી રીતે મદદ કરશે.

Labor Senator Kristina Keneally Source: AAP
ટેમ્પરરી માઇગ્રન્ટ્સની સંખ્યામાં ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે
ટેમ્પરરી માઇગ્રન્ટ્સની સંખ્યામાં પ્રથમ ક્રમે અમેરિકા બાદ વિશ્વમાં ઓસ્ટ્રેલિયાનો બીજો ક્રમ આવે છે.
સેનેટર કેનેલી કહે છે કે માઇગ્રન્ટસને સસ્તી મજૂરી અને ઓછો પગાર આપીને સરકાર દેશની સંસ્કૃતિ અને અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે.

Migrants in Australia. Source: AAP
ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે પર્મેનન્ટ રેસીડેન્સીની સંખ્યા 190,000થી ઘટાડીને 160,000 કરી દીધી હતી અને આ સંખ્યાં આગામી ચાર વર્ષ સુધી રહે તેમ જણાઇ રહ્યું છે.
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન સરકારે સ્કીલ્ડ વર્કર્સ માટે રીજનલ વિસા અમલમાં મૂક્યા હતા. ઇમિગ્રેશન મંત્રી ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે આ વિસા દ્વારા સિડની, મેલ્બર્ન અને બ્રિસબેન જેવા શહેરોમાં વધતી વસ્તી પર રોક આવશે અને રીજનલ વિસ્તારોને સ્કીલ્ડ વર્કર્સ પણ મળી રહેશે.