જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બે કે ત્રણ વર્ષના અભ્યાસક્રમ સાથે ઓસ્ટ્રેલિયા આવે છે તેમને તેઓ જ્યારે પોતાનો અભ્યાસ પૂરો કરે છે ત્યારે અહીં કાર્ય કરવા અને કાયમી સ્થાયી થવા અંગેના નિયમો બદલાઇ ગયેલા જોવા મળે છે.
ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2019માં વિસામાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. સરકારે પર્મેનન્ટ વિસાની કુલ સંખ્યા ઘટાડી ઉપરાંત, બે નવા રીજનલ વિસા પણ અમલમાં મૂક્યા હતા. જોકે, પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવા માટેના નિયમો કડક થતા વિવિધ વિસા કેટેગરીના લોકોના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થયા છે.
સીકવિસાના માઇગ્રેશન એજન્ટ બેન વેટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં વિસા અંગેના નિયમોમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા છે. જેની અસર ઉમેદવારો પર થઇ છે અને તેમને રીજનલ વિસ્તારોમાં સ્થાયી થવાની ફરજ પડી છે.તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય સરકાર બે નવા રીજનલ વિસા અમલમાં લાવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વધતી જતી ભીડને કાબૂમાં કરવાનો છે.
International students in Australia Source: Flickr
આ વિસા હેઠળ ઉમેદવારે બ્રિસબેન, સિડની અને મેલ્બર્ન સિવાયના ઓસ્ટ્રેલિયાના કોઇ પણ રીજનલ વિસ્તારમાં ત્રણ વર્ષ સુધી રહેવા તથા નોકરી કરવી પડશે અને ત્યાર બાદ તેઓ પર્મેનન્ટ રેસીડેન્સી માટે અરજી કરી શકશે.
કેન્દ્રીય સરકારે રીજનલ વિસ્તારોમાં વસ્તી વધે તે માટે બે નવા વિસા લાવી છે પરંતુ હવે તેનો અમલ થાય તે રાજ્ય સરકારે જોવું પડશે. રાજ્ય સરકારો સ્ટેટ સ્પોન્સરશીપ આપી માઇગ્રન્ટ્સને જે-તે રાજ્યના રીજનલ વિસ્તારમાં સ્થાયી થવા માટે આકર્ષી શકે છે.
માઇગ્રેશન એજન્ટ કીર્કી યાને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય તે જરૂરી છે. કેન્દ્રીય સરકારે આગામી નાણાકિય વર્ષ માટે 25 હજાર વિસા મંજૂર કરવાની જાહેરાત કરી છે પરંતુ રાજ્ય સરકારોએ ઉમેદવારો માટેના નિયમો ઘણા અઘરા બનાવ્યા છે.
યાને ઉમેર્યું હતું કે કેટલાક રાજ્યોએ વિસા અરજીકર્તાઓને “પ્રામાણિકતા ટેસ્ટ“ પાસ કરવાનો નિયમ બનાવ્યો છે. જે અંતર્ગત અરજીકર્તા અગાઉથી જ જે-તે વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી રહેતો હોવો જોઇએ.
આ નિયમના કારણે જે વિદ્યાર્થીઓએ મેલ્બર્ન કે સિડનીમાં અભ્યાસ કર્યો છે તેઓ આ વિસા માટે અરજી કરી શકતા નથી.
બીજી તરફ, સફળ અરજીકર્તાઓ માટે પણ પર્મેનન્ટ રેસીડેન્સીનો માર્ગ સરળ બન્યો નથી.
મૂળ ચીનના અને મેલ્બર્ન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા જેસને હાલમાં જ નવા રીજનલ વિસા મેળવ્યા છે.
તેણે જણાવ્યું હતું કે નવા રીજનલ વિસાની અરજી કર્યા બાદ એક મહિનામાં જ તેને તાસ્માનિયન સ્પોન્સરશીપ મળી ગઇ હતી.
તેને આશા છે કે હોબાર્ટમાં ફાઇનાન્સ અથવા તો એકાઉન્ટીંગ ફર્મમાં તેને નોકરી મળી જશે. જોકે, તેણે SBS News ને ઇ-મેઇલ દ્વારા જણાવ્યું હતું કે પર્મેનન્ટ રેસીડેન્સી માટેની અરજી કરવા માટે વાર્ષિક 53,900 ડોલરની આવક મેળવવાનો નિયમ થોડો અઘરો છે.
નવા રીજનલ વિસા અમલમાં આવ્યા બાદ તાસ્માનિયાએ ઘણી વિસા અરજી મેળવી છે અને ઉમેદવારો તાસ્માનિયા સ્થાયી થવા તરફ જઇ રહ્યા છે.
જોકે, સ્ટેટ સ્પોન્સરશીપ મેળવવા માટે ડીપ્લોમા કોર્સ માન્ય ગણાશે નહીં, તેમ વેટ્ટે ઉમેર્યું હતું.
તાસ્માનિયામાં અરજીનો ધસારો
તાસ્માનિયા ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ગ્રોથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવા રીજનલ વિસા અમલમાં આવ્યા બાદ તાસ્માનિયાની સ્પોન્સરશીપ લેવા માટે અરજીકર્તાઓનો ધસારો જોવા મળ્યો છે.
જોકે, તેમણે સ્ટેટ સ્પોન્સરશીપ મેળવવા માટે ડીપ્લોમા કોર્સ માન્ય ગણાશે કે નહીં તે અગે ટીપ્પણી કરી નહોતી.
તાજેતરમાં જ સરકારે સ્કીલ્ડ ઇન્ડીપેન્ડન્ટ વિસા (સબક્લાસ 189)ની સંખ્યા ધટાડી હતી. તે અગાઉ વિવાદાસ્પદ 457 વિસા પણ રદ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વસ્તી વધતા સરકાર હવે નવા રીજનલ વિસા અમલમાં લાવી છે.
જોકે માઇગ્રેશન એજન્ટ બેન વેટ્ટની ધારણા પ્રમાણે, સરકારે પર્મેનન્ટ રેસીડેન્સીની સંખ્યા ઘટાડી અને રીજનલ વિસા અમલમાં મૂક્યા છે તેના કારણે “ટેમ્પરરી વિસા” હેઠળ મોટા શહેરોમાં રહેતા માઇગ્રન્ટ્સના ભવિષ્ય અંગે પ્રશ્નો સર્જાયા છે.
કીર્ક યાનના માનવા પ્રમાણે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ બાદ જે-તે દેશમાં જ સ્થાયી થવા અંગે વિચારે છે તેમણે ઓસ્ટ્રેલિયા પસંદ કરતા પહેલા બે વખત વિચાર કરવો જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવાની પ્રક્રિયા ઘણી અઘરી બની ગઇ છે તેથી જ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા પર પસંદગી ઉતાર્યા અગાઉ બે વખત વિચાર કરવો જરૂરી બન્યો છે.