બે વર્ષ અગાઉ પર્થને પ્રાદેશિક વિસ્તારની કેટેગરીમાંથી કાઢી નાખવાના નિર્ણયને હવે રાજ્ય સરકાર બદલી રહી છે. સિડની અને મેલબર્ન જેવા મોટા શહેરોની હરોળમાં પર્થને મુક્યા પછી પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ભણવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તેને સંબોધવા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્ય સરકાર પર્થ અને તેની આસપાસના વિસ્તારોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નિયમ હળવા બનાવી રહી છે.
શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર
190 સ્કિલ્ડ નોમિનેટેડ વિઝા અને 16મી નવેમ્બરથી અમલમાં આવેલા 491 રીજનલ વર્ક વિસા, યુનિવર્સિટી ગ્રેજયુએટ ઉપરાંત હવે વોકેશનલ ટ્રેનિંગ એટલે કે વ્યવસાયી પ્રશિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સર્ટિફિકેટ-3 કે તેનાથી ઉપરના સ્તરના વોકેશનલ ટ્રેનિંગ કોર્સમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ હવે રીજનલ સ્કિલ્ડ માઈગ્રેશન પ્રોગ્રામનો લાભ લઇ શકશે.
Horizon Australasia ના માઈગ્રેશન એજન્ટ કૌશલ ઝવેરીએ જણાવ્યું
જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર્થમાં ઇન્ટેન્સીવ ઈંગ્લીશથી લઈને સર્ટિફિકેટ્ III ઇન કમર્શલ કુકિંગ કે પછી હૉસ્પિટૅલિટી ડીપ્લોમા જેવા વ્યવસાયિક કોર્સ ભણી રહ્યા છે, તે વિદ્યાર્થીઓ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં બે વર્ષનું ભણતર બતાવવા માટે આ કોર્સ ઉમેરી શકશે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજ્ય સરકાર દ્વારા જે અરજદારોને PR માટે લાયક ઠેરવવામાં આવે છે, તે સ્ટેટ નોમીનેશ અરજી માટે માત્ર રાજ્યની મોટી યુનિવર્સિટી જ નહિ પણ TAFE અને ખાનગી કોલેજના શિક્ષણ વિભાગ દ્વારા માન્ય કરાયેલ કોર્સ પૂરો કરી PR માટે પોઈન્ટ્સ મેળવી શકશે.
રોજગારના નિયમો પણ હળવા બનશે
હાલના નિયમ પ્રમાણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં નામાંકિત ક્ષેત્રમાં બે વર્ષનું ભણતર પૂરું કરનાર ૧૨ મહિનાની નોકરી કરી PR ની અરજી માટે પોઈન્ટ્સ મેળવી શકે છે. આ નિયમ બદલાઈ રહ્યો છે, જેના હેઠળ હવે માત્ર ૬ મહિનાના રોજગારની જરૂર પડશે. પછી તે કરેલા કામનો અનુભવ હોઈ શકે છે અથવા તો ૬ મહિનાની પગારદાર નોકરીનો ઓફર લેટર પણ હોઈ શકે છે. જો કે આ કામ ભણવાનું પૂરું કર્યા પછી કર્યું હોવું જોઈએ. તેમાં ઇન્ટર્નશીપ કે વગર પગારે કરાયેલુ કામ ઉમેરવામાં નહીં આવે. ઉપરાંત રોજગાર પોતાના ભણતરના ક્ષેત્રમાં જ હોવો જરૂરી છે.
શેફનો કોર્સ કર્યા પછી રેસ્ટરૉમાં વેટરની કે અકાઉન્ટન્ટની નોકરીને કામનો અનુભવ ગણવામાં આવતો નથી.
અંગ્રેજી ભાષાની લાયકાત
IELTS અંગ્રેજીની પરીક્ષામાં બેન્ડ 7 મેળવનાર વિદ્યાર્થીઓને 10 પોઈન્ટ્સ મળશે.
Source: WA migration website
ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયા આવતા લોકો માટે
ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોમાં વસતા વિદ્યાર્થીઓ પણ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની નવી વિઝા શરતોનો લાભ લઇ શકે છે પરંતુ તેમને ખાસ ચેતવણી આપતા માઈગ્રેશન એજન્ટ કૌશલ ઝવેરીએ કહ્યું કે બે વર્ષ પછી જયારે તેઓ PR ની અરજી કરવા લાયક બનશે ત્યારે વિઝાની શરતો શું હશે તેની ખાતરી નથી તેથી દરેકે પોતાના સંજોગો પ્રમાણે સલાહ લેવી જરૂરી છે.
તે ઉપરાંત પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની બહાર વસતા વિદ્યાર્થીઓએ WA સ્ટેટ નોમીનેશ મેળવવા માટે વસવાટનો ખર્ચો ઉઠાવી શકે તેટલુ ભંડોળ પણ બતાવવું પડશે.
અરજદાર દીઠ – $20,000 (AUD);
યુગલ માટે – $30,000 (AUD);
યુગલ ઉપરાંત કુટુંબની દરેક વ્યક્તિ દીઠ – $5,000 (AUD).
આ માહિતી સામાન્ય જાણકારી માટે છે તેથી તેનો ઉપયોગ વ્યાવસાયિક સલાહકારો સાથે પરામર્શ કરવાના વિકલ્પ તરીકે કરવો નહીં.
More stories on SBS Gujarati
સાઉથ ઓસ્ટ્રેલિયાનું DAMA સ્કીલ ઓક્યુપેશન લિસ્ટ (SOL) જાહેર