સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ કામદારો ઓસ્ટ્રેલિયા આવી શકે અને અહીં નોકરી કરી શકે તે માટે ઓસ્ટ્રેલિયન સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના ઓફિસર્સને વિદેશ મોકલશે અને તેઓ યોગ્ય ઉમેદવારોને ઓસ્ટ્રેલિયા આવવાનું પ્રોત્સાહન પૂરું પાડશે.
ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મંત્રી ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે હાલમાં આ યોજના હેઠળ ઓસ્ટ્રેલિયન એક ઓફિસરને જર્મનીના બર્લિનમાં મોકલવામાં આવ્યા છે ત્યાર બાદ અન્ય ઓફિસર્સને અમેરિકા, સિંગાપોર, સેન્ટીયાગો, શાંઘાઇ અને દુબઇમાં પણ મોકલવામાં આવશે.
Image
5000 પ્રોફેશનલ્સની ભરતી કરાશે
વિશ્વના વિવિધ દેશોમાંથી લગભગ 5000 જેટલા શ્રેષ્ઠ કામદારોની ભરતી કરવામાં આવશે. જેમાં ટેક્નોલોજી ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.
ડેવિડ કોલમેને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હોમ અફેર્સ તેમના ઓફિસરને વિદેશમાં વિવિધ સ્થાનો પર મોકલશે અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગોને મદદરૂપ થઇ શકે તેવા પ્રોફેશનલ્સની ભરતી કરવામાં આવશે. તેમને ઓસ્ટ્રેલિયા આવીને તમામ પ્રકારની તક પૂરી પાડી ઓસ્ટ્રેલિયન ઉદ્યોગોમાં પોતાનો ફાળો આપવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
સરકાર નવી 5000 જગ્યાઓ તેમના પર્મેનન્ટ માઇગ્રન્ટ્સની વાર્ષિક 1,60,000ની કુલ સંખ્યામાં નહીં મૂકે તેવી શક્યતા છે.
હોમ અફેર્સની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, ગ્લોબલ ટેલેન્ટ ઓફિસર્સ અહીંના સ્થાનિક ઉદ્યોગો સાથે મળીને તેમની જરૂરિયાત પ્રમાણે યોગ્ય કામદારો અને પ્રતિભાશાળી પ્રોફેશનલ્સને શોધશે.
હોમ અફેર્સના અધિકારીઓ દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ વિસા મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
અત્યાર સુધીમાં રજીસ્ટર થયેલા કુલ 23 વેપાર-ઉદ્યોગોમાંથી ફક્ત પાંચ વેપાર જ સ્ટાર્ટ-અપમાં સમાવિષ્ટ છે બાકીના મોટા ઉદ્યોગોમાં કોલ્સ અને રીયો ટીન્ટોનો સમાવેશ થાય છે.