ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે માતા-પિતાને તેમના બાળકોના સ્કૂલમાં જતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયા સાઇટ્સ પર અપલોડ નહીં કરવાની સલાહ આપી છે.
સ્કૂલ યુનિફોર્મ ધારણ કરેલા બાળકો તથા તેમના નામ અને ફોટોમાં દેખાતા સ્થળ જેવી માહિતીની મદદથી અપરાધ કરવાની વૃત્તિ ધરાવતા લોકો તેનો દૂરપયોગ કરી શકે છે.
બાળકો સાથેના ગુના અટકાવવા તથા તેમની સુરક્ષાની દેખરેખ રાખતા એએફપી કમાન્ડર ઓફ ઓસ્ટ્રેલિયન સેન્ટરના હિલ્ડા સીરેકે જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશન બાદ શાળાઓ ખુલી રહી છે ત્યારે બાળકોના માતા-પિતાને તેમના સંતાનની સુરક્ષા તથા સલામતી યાદ કરાવવી જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, યુનિફોર્મ ધારણ કરીને શાળાએ જતા બાળકોના ફોટો લેવા તે મોટાભાગના માતા-પિતા માટે એક ગર્વની બાબત હોય છે અને, તે ફોટો તેમના પરિવારના આલ્બમમાં પણ સ્થાન મેળવે છે.
આ ફોટો તેઓ તેમના સોશિયલ મીડિયા માધ્યમ પર અપલોડ કરે છે પરંતુ તે વખતે તેમણે ગોપનીયતાનું ધ્યાન રાખી ફક્ત તેમના નજીકના અને ઓળખીતા લોકો જ તે જોઇ શકે તેવી ગોઠવણ કરવી જોઇએ.
આ પ્રકારના ફોટો તમારી ખાનગી માહિતી લીક કરી શકે છે તથા તે ઘણા બધા માધ્યમો પર શેર થઇ શકે છે.
સામુદાયિક અથવા સ્કૂલના સોશિયલ મીડિયા પેજ પર અપલોડ થઇ રહેલા ફોટોનું પણ મૂલ્યાંકન કરીને તે કોણ જોઇ શકે તેનું ધ્યાન રાખવું જોઇએ.
અપરાધની વૃત્તિ ધરાવતા કેટલાક લોકો માતા-પિતા દ્વારા અપલોડ થયેલા ફોટોમાંથી વ્યક્તિગત માહિતી મેળવી લે છે અને ત્યાર બાદ ગુનાહિત પ્રવૃત્તિ આચરે છે.
માતા-પિતા, સારસંભાળ લેતા લોકો શું ધ્યાન રાખી શકે
- તમારા બાળકનું આખું નામ, ઉંમર ખાનગી રાખો
- ફોટો કે વીડિયોમાં પાછળ સરનામું, સ્થળની ઓળખ થાય તેવી સામગ્રી અપલોડ ન કરો, તમારું લોકેશન પણ બંધ રાખો
- બાળકે સ્કૂલ યુનિફોર્મ ધારણ કરેલો હોય તેવો ફોટો ન મૂકો
- તમે ઓળખતા હોય તેવા જ લોકો સાથે તમારા બાળકનો ફોટો શેર કરો
- સામુદાયિક એકાઉન્ટ હોય તો અમુક સભ્યોને જ મંજૂરી આપો અને પ્રાઇવસી સેટીંગ્સ અમલમાં મૂકો
બાળકોના ઓનલાઇન શોષણ વિશેની ફરિયાદ
- જો તમને લાગે કે બાળક મુશ્કેલીમાં છે તો (000) નંબર પર સંપર્ક કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લો.
- ઓનલાઇન માધ્યમ દ્વારા બાળક પરેશાનીનો સામનો કરી રહ્યું છે તો સ્ક્રીનશોટ, ફોટો તથા અન્ય કોઇ પૂરાવો મેળવી લો. એક વખત પૂરાવો મેળવી લીધા બાદ જે એપ, સાઇટ કે માધ્યમ પર આ ઘટના બની હોય ત્યાં તેને બ્લોક કરી રીપોર્ટ કરો.
ઓનલાઇન માધ્યમ પર બાળકોની સલામતી રાખવા વિશેની તમામ માહિતી ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના કાર્યક્રમ પરથી મેળવી શકાય છે.