ક્લાઇમેટ ચેન્જના મુદ્દા અંગે ત્વરિત નિર્ણય લેવાની માંગ સાથે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ શુક્રવારે હડતાલ પાડશે.
ધ નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સે ક્લાસમાં હાજરી નહીં આપવાની અને ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોમાં રેલી દ્વારા પોતાની માંગ રજૂ કરવાની જાહેરાત કરી છે.
નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સના પ્રેસિડેન્ટ ડેસિરી કેઇએ SBS News ને જણાવ્યું હતું કે, વિવિધ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ દ્વારા આ ચળવળને સમર્થન મળી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ અંગે સરકાર ઝડપથી પોતાનું વલણ સ્પષ્ટ કરે તે જરૂરી છે.
ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વોકઆઉટ કરાશે
ઓસ્ટ્રેલિયાના મોટા શહેરો - એડિલેડ, સિડની, બ્રિસબેન, મેલ્બર્ન, પર્થ, કેનબેરા અને વોલોન્ગોંગમાં ક્લાસમાંથી વોકઆઉટ કરાશે અને સરકાર સમક્ષ ચાર માંગ પ્રસ્તુત કરાશે.
Source: AAP
સરકાર સમક્ષ ચાર માંગ
- કોઇ પણ નવી કોલસાની ખાણને મંજૂરી નહીં
- અદાણી માઇનને બંધ કરવી
- 2030 સુધીમાં રીન્યુએબલ એનર્જી વિકસાવવી
- ગ્રીન ઇન્ડ્રસ્ટ્રીને પ્રોત્સાહિત કરવા કાયમી નોકરીની બાહેંધરી
આ ઉપરાંત, પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પણ ક્લાઇમેટ ચેન્જના મુદ્દામાં વધુ સક્રિય થવા માટે જાગૃત કરવામાં આવશે.
યુનિવર્સિટી સ્ટાફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે
ધ નેશનલ ટેરીટરી એજ્યુકેશન યુનિયને તેમના સ્ટાફને વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત રેલીને સમર્થન આપવાનું તથા તેમને શિક્ષા નહીં કરવા અંગે ભલામણ કરી છે. યુનિયનના પ્રેસિડેન્ટ એલિસન બર્નેસે જણાવ્યું હતું કે યુનિયન વિદ્યાર્થીઓના પ્રદર્શનને સંપૂર્ણ રીતે પોતાનો ટેકો જાહેર કરી રહ્યું છે.
SBS News ને આપેલા નિવેદનમાં મિનિસ્ટર ઓફ એજ્યુકેશન ડેન તેહાને જણાવ્યું હતું કે સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનને સમર્થન આપે છે.