આરોગ્ય વિભાગના સેક્રેટરી બ્રેન્ડન મર્ફીએ સોમવારે જણાવ્યું હતું કે કોરોનાવાઇરસના કારણે લાગૂ કરવામાં આવેલા સરહદીય પ્રતિબંધો નજીકના ભવિષ્યમાં ઉઠાવવા જોખમ ભર્યું છે.
ઓસ્ટ્રેલિયાએ અન્ય દેશોની તુલનામાં દેશમાં કોરોનાવાઇરસનું સંક્રમણ અટકાવવામાં સફળતા મેળવી હોવા છતાં પણ સેક્રેટરી બ્રેન્ડન મર્ફીએ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવાનું જોખમ નહીં લેવા અંગે જણાવ્યું છે.
હાઇલાઇટ્સ
- ઓસ્ટ્રેલિયા વર્ષ 2021માં પણ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે દેશની સરહદો ન ખોલે તેવી શક્યતા છે.
- પ્રોફેસર મર્ફીના સંકેત પ્રમાણે સરહદોના પ્રતિબંધો તથા ક્વોરન્ટાઇન કેટલાક સમય સુધી યથાવત રહેશે
- આરોગ્ય વિભાગના વિશેષજ્ઞોના મત પ્રમાણે રસીકરણ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવા માટે પૂરતું નથી.
પ્રોફેસર મર્ફીએ કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ થઇ જાય ત્યાર બાદ પણ સરહદીય પ્રતિબંધો તથા ઓસ્ટ્રેલિયામાં ઊતરાણ બાદ ક્વોરન્ટાઇન અમલમાં રાખવાનો ભાર મૂક્યો હતો.
મર્ફીએ ABC News ને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, આ વર્ષે દેશના મોટાભાગની વસ્તીનું રસીકરણ કરવામાં આવશે તેમ છતાં પણ વાઇરસનું સંક્રમણ રોકવા માટે મુસાફરીના પ્રતિબંધો અને ક્વોરન્ટાઇન કેટલાક સમય સુધી અમલમાં રાખવું જ પડશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ક્વોન્ટાસે અમેરિકા અને યુનાઇટેડ કિંગડમમાં વાઇરસનું સંક્રમણ વધ્યું હોવા છતાં પણ જુલાઇ મહિનાથી તે દેશો માટે ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કર્યુ છે. SBS Punjabi ને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદો શરૂ કરવા તથા દેશના રસીકરણ કાર્યક્રમ પર આધારીત છે.
ક્વોન્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસની પરિસ્થિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ કોઇ નિર્ણય લેવાશે. અમે જુલાઇ 2021માં આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થશે તેવી આશા સાથે તાજેતરમાં ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કર્યું હતું.
રસીકરણ કેવી રીતે સરદહીય પ્રતિબંધોને અસર કરશે
થેરાપેટીક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ફાઇઝરની રસીને મંજૂરી મળશે તો ઓસ્ટ્રેલિયામાં ફેબ્રુઆરીના અંત સુધીમાં રસીકરણ શરૂ થશે. વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે, અઠવાડિયામાં 80,000 ઓસ્ટ્રેલિયન્સને રસી આપવામાં આવશે.
અને, માર્ચ 2021ના અંત સુધીમાં 4 મિલિયન લોકોને કોરોનાવાઇરસની રસી આપવાનો લક્ષ્યાંક છે.યુનિવર્સિટી ઓફ મેલ્બર્નના એપીડેમિયોલોજીસ્ટ અને પબ્લિક હેલ્થના વિશેષજ્ઞ ટોની બ્લેકલીએ જણાવ્યું હતું કે વિશ્વના અન્ય દેશોમાં રસીકરણ ક્યારે શરૂ થશે તથા તે વાઇરસનું સંક્રમણ રોકવામાં કેટલી સફળ થશે તે અંગે કોઇ માહિતી નથી. તેથી જ તેમણે આંતરરાષ્ટ્રીય સરહદો અંગેના પ્રતિબંધો તથા ક્વોરન્ટાઇનની યોજના આગામી સમયમાં પણ અમલમાં રહે તેવી શક્યતા છે.
Qantas reopens international bookings from July. Source: World Today News
તેમણે ઉમેર્યું હતું કે, રસીકરણની મદદથી ગંભીર માંદગી અટકાવી શકાય છે પરંતુ તે વાઇરસના સંક્રમણ સામે કેટલી સફળ છે તે નક્કી નથી. એટલે કે જો કોઇ મુસાફર યુનાઇટેડ કિંગડમમાં રસી લે અને ઓસ્ટ્રેલિયા મુસાફરી કરે તો તેણે ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ ક્વોરન્ટાઇન થવું જોઇએ કારણે વાઇરસનું સંક્રમણ થઇ રહ્યું છે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.બીજી તરફ, વર્ક વિસાધારક વ્રિન્દા ધવન હાલમાં તેમના પતિ તથા ત્રણ વર્ષના બાળક સાથે ભારતના પંજાબ રાજ્યમાં ફસાઇ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ એડિલેડ ક્યારે પહોંચશે તેની કોઇ માહિતી નથી.
Source: AAP
તેમણે ઉમેર્યું હતું કે, એક વખત ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં આવી જાય ત્યાર બાદ ટેમ્પરરી વિસાધારકોને સરકાર દેશમાં પ્રવેશ આપે તેમ લાગતું હતું પરંતુ હાલમાં રસીકરણ બાદ પણ સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરીનો પ્રતિબંધ ઉઠાવે તેવી શક્યતા લાગતી નથી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન સ્કોટ મોરિસને નવેમ્બર 2020માં જણાવ્યું હતું કે દેશના નાગરિકો પર આગામી કેટલાક સમય સુધી અમેરિકા તથા યુરોપ જેવા કોરોનાવાઇરસના અતિજોખમી વિસ્તારોની મુલાકાત લેવા પર પ્રતિબંધ લંબાઇ શકે છે.