ઓસ્ટ્રેલિયન્સ કેન્દ્રીય સરકારે વિદેશમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સને દેશમાં પરત લાવવાના ભાગરૂપે વધુ 20 ફ્લાઇટ્સની જાહેરાત કરી છે.
એમિરાટ્સ દ્વારા ઓસ્ટ્રેલિયાના પૂર્વીય કિનારે આવેલા શહેરો સાથે જોડાયેલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવ્યા બાદ સરકારે નિર્ણય લીધો હતો.
જે અંતર્ગત, જાન્યુઆરી 31થી માર્ચ 31 દરમિયાન આ ફ્લાઇટ્સ ઉડાવવામાં આવશે.
એક્ટીંગ ફોરેન અફેર્સ મિનિસ્ટર સાઇમન બર્મિંગહામે જણાવ્યું હતું કે આ ફ્લાઇટ્સ દ્વારા વિશ્વના અમુક ચોક્કસ શહેરોમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લાવવા માટે પ્રાથમિકતા અપાશે. જે વર્તમાન ઊતરાણની સંખ્યામાં ઉમેરાશે.
ઉલ્લેખનીય છે કે ન્યૂ સાઉથ વેલ્સ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડમાં થઇ રહેલા આંતરરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યામાં ફેબ્રુઆરીના મધ્ય સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી જ , ચાર્ટર્ડ ફ્લાઇટ્સ નોધર્ન ટેરીટરી, કેનબેરા તથા તાસ્મેનિયામાં ઊતરાણ કરશે.મંત્રી બર્મિંગહામે જણાવ્યું હતું કે એમીરાટ્સની ફ્લાઇટ્સ રદ થવાથી ફ્લાઇટ્સની ઉપલબ્ધતા પર કોઇ અસર પડશે નહીં.
Health officials wait for Australians stranded in India to disembark a Qantas plane at Canberra Airport in May. Source: AAP
લગભગ 37,000 જેટલા ઓસ્ટ્રેલિયન્સે દેશમાં પરત ફરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર માઇકલ મેકકોર્મેકે જણાવ્યું હતું કે યુનાઇટેડ કિંગડમ, યુરોપ અને ભારત તથા અન્ય સ્થળો પર ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સને આ ગોઠવણ હેઠળ પ્રાથમિકતા અપાશે.
23મી ઓક્ટોબર 2020 બાદ અત્યાર સુધીમાં લંડન, પેરિસ, ફ્રેન્કફર્ટ, ન્યૂ દિલ્હી, ચેન્નાઇ, સિંગાપોર, સાન્તિયાગો, જ્હોનિસબર્ગ અને લોસ એન્જલ્સથી લગભગ 3900 ઓસ્ટ્રેલિયન્સ દેશમાં પરત ફર્યા છે.