ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય સરકારે વિવિધ વિસાશ્રેણી અંતર્ગત વિસા મંજૂર કરવાની પ્રક્રિયામાં ઝડપ લાવી છે.
ઓસ્ટ્રેલિયા બહારથી બેકપેકર્સ વિસા માટે અરજી કરતા ઉમેદવારોના વિસાની પ્રક્રિયા એક દિવસથી પણ ઓછા સમયમાં થઇ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
વર્કિંગ હોલીડે વિસા સબક્લાસ 417 અને 462 અંતર્ગત 120,000 અરજીકર્તાના વિસા ક્રિસમસના સમયગાળા દરમિયાન મંજૂર કરવામાં આવ્યા છે.
વર્કિંગ હોલિડેમેકર્સ એક જ નોકરીદાતા સાથે 6 મહિનાને બદલે 12 મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે.
જે નિયમ 31મી ડીસેમ્બરના રોજ સમાપ્ત થઇ રહ્યો હતો પરંતુ તેને 30મી જૂન 2023 સુધી લંબાવવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોમાં કર્મચારીઓની અછતને પૂરી કરવા માટે સરકારે આ ફેરફાર કર્યો હતો.
કેન્દ્રીય ઇમિગ્રેશન મંત્રી એન્ડ્રયુ જાઇલ્સે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વિસાની અરજીનો ભરાવો ઓછો કરવા માટે જૂન 2022માં વધારાના 400 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.
જેના કારણે આ વર્ષના અંત સુધીમાં અરજીની સંખ્યા ઘટીને લગભગ 600,000 સુધી પહોંચી જશે.
કેન્દ્રીય ઇમિગ્રેશન મંત્રી એન્ડ્ર્યુ જાઇલ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર વિસાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે કટિબદ્ધ છે. ઓસ્ટ્રેલિયા બહારથી વર્કિંગ હોલીડે મેકર્સ વિસા માટે અરજી કરતા ઉમેદવારોના વિસા એક દિવસમાં જ મંજૂર થઇ જાય છે.
ઓસ્ટ્રેલિયન સરકાર દેશના પરિવારો તથા વેપાર - ઉદ્યોગો માટે ઇમિગ્રેશન જરૂરી હોવાનું મહત્વ સમજે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં વિવિધ વ્યવસાયોને વિસાની પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત, શિક્ષક તથા આરોગ્યલક્ષી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓના વિસાની અરજી પર 3 દિવસમાં જ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ યાદીમાં વેલફેર સપોર્ટ વર્કર્સ, ચાઇલ્ડકેર સેન્ટર મેનેજર્સ, મેડિકલ સાયન્ટીટ્સ, કાઉન્સિલર્સ, સાઇકોલોજીસ્ટ, સોશિયલ વર્કર્સ તથા મેડિકલ ટેક્નિશીયન્સ જેવા વ્યવસાયોનો પણ સમાવેશ કરાયો છે.
નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના મંત્રી ક્લેર ઓ'નેલે દેશની માઇગ્રેશન પ્રણાલીની સમીક્ષાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ઉપરોક્ત ફેરફાર લાગૂ કરવામાં આવ્યા છે.
મે 2022માં લેબર સરકાર સત્તામાં આવ્યા બાદ લગભગ 4 મિલિયન વિસાની અરજી પર કાર્ય થયું છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.