ઓસ્ટ્રેલિયન બાયોસિક્ટોરિટી વિભાગે દેશના રહેવાસીઓને કુરિયર દ્વારા આપવામાં આવતા વનસ્પતિના બીજથી સાવધ રહેવા માટે વિનંતી કરી છે.
છેલ્લા કેટલાક સમયમાં ઓર્ડર કર્યો ન હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયામાં રહેવાસીઓને વનસ્પતિના બીજની ડિલીવરી કરવામાં આવતી હોવાની ઘટના બની રહી છે તેથી જ, બાયોસિક્ટોરિટી વિભાગે લોકોને તેનાથી દૂર રહી તાત્કાલિકપણે વિભાગને તેની સૂચના આપવા જણાવ્યું છે.
ખરીદ્યા ન હોય તેવા બીજ મળે તો રોપવા નહીં
ઓસ્ટ્રેલિયન બાયોસિક્ટોરિટી વિભાગે ઓસ્ટ્રેલિયન ધારાધોરણ પ્રમાણે જ બીજ ખરીદવાનું સૂચન કર્યું છે.
પરંતુ, જે કોઇ બીજની ખરીદી ન કરી હોય તેમ છતાં પણ જો તેને ડિલીવર કરવામાં આવે તો તેને વાવવાના નહિ કે કચરાપેટીમાં નિકાલ કરવો નહિ તેને બદલે તાત્કાલિકપણે 1800 798 636 પર કૃષિ વિભાગનો સંપર્ક કરવો.
આ ઉપરાંત, તેની સૂચના બાયોસિક્ટોરિટી વિભાગને પણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
હેડ ઓફ બાયોસિક્ટોરિટી ઓપરેશન્સ એમિલી કેનિંગે આ અંગે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન્સે બાયોસિક્ટોરિટી વિભાગના નિયમ અનુસાર જ વનસ્પતિના બીજ ખરીદવા આવશ્યક છે. અને જો કોઇ પણ બીજની ખરીદી કરી ન હોવા છતાં પણ તેની તમને ડિલીવરી કરવામાં આવે તો તાત્કાલિક તે અંગેની સૂચના બાયોસિક્ટોરિટી વિભાગને આપવી આવશ્યક છે.
ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ માટે નુકસાનકારક
જો કોઇ પણ બીજ ઓસ્ટ્રેલિયન બાયોસિક્ટોરિટીના ધારાધોરણ પ્રમાણે ન હોય તો તે ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ, કૃષિ ઉદ્યોગ અને ઘરના બગીચા સહિતની જમીનોને નુકસાનકારક સાબિત થઇ શકે છે.
આ ઉપરાંત, વનસ્પતિમાં રોગ પણ પેદા થઇ શકે છે, તેમ એમિલી કેનિંગે નિવદેનમાં જણાવ્યું હતું.
અધિકારીઓ દ્વારા સઘન તપાસ
બાયોસિક્ટોરિટી વિભાગના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય મેલ સેન્ટર્સ પર ડિટેક્ટર ડોગ્સ, એક્સ-રે તથા બાયોસિક્ટોરિટી ઓફિસર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવે છે.
આ ઉપરાંત, જ્વેલરી, ભેટ, તથા અન્ય ચીજવસ્તુઓના ખોટા નામથી મોકલવામાં આવતા વનસ્પતિના બીજના પેકેટ પર પણ નજર રાખવામાં આવે છે, તેમ એમિલીએ ઉમેર્યું હતું.
બાયોસિક્ટોરિટીના નિયમોના ભંગની ફરિયાદ અથવા તે અંગે કોઇ માહિતી આપવા માટે પર અથવા 1800 798 636 પર સંપર્ક કરી શકાય છે.
ઓસ્ટ્રેલિયામાં બીજ કે વનસ્પતિ લાવવાના નિયમો વિશે પરથી વધુ જાણકારી મેળવી શકાય છે.