ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરિયા રાજ્યમાં બુશફાયરની પરિસ્થિતી વચ્ચે વીકેન્ડ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે જે બુશફાયર સામે લડી રહેલા ફાયર ફાઇટર્સ માટે રાહતની બાબત છે.
બ્યૂરો ઓફ મેટેરોલોજીની આગાહી પ્રમાણે ન્યૂ સાઉથ વેલ્સના પૂર્વીય વિસ્તારમાં શનિવાર તથા રવિવારના રોજ 50 મિલીમીટર વરસાદ પડે તેવી શક્યતા છે.
જોકે, સિડનીના મુખ્ય પાણીના વોટર સપ્લાય કે જેની પર લગભગ 5 મિલીયન લોકો નિર્ભર છે તેમાં વરસાદના કારણે બુશફાયરની રાખ ભળે તેવી પરિસ્થિતી સર્જાય તેમ છે.
વરસાદથી પાણી પ્રદુષિત થઇ શકે, પૂરની સ્થિતી સર્જાઇ શકે
હવામાન નિષ્ણાત ગ્રેસ લેગીએ જણાવ્યું હતું કે વરસાદના કારણે બુશફાયર સામે લડતમાં મદદ મળશે પરંતુ તેના કારણે પૂરની પરિસ્થિતી પણ સર્જાઇ શકે છે.
બીજી તરફ, સિડનીના વારાગમ્બા ડેમની આસપાસ લગભગ 3 લાખ મિલિયન હેક્ટર જમીન બળીને ખાખ થઇ ગઇ છે. જેથી વરસાદના કારણે રાખ અને કચરો ડેમના પાણીમાં પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે.
આ ઉપરાંત, રાખ અને કચરા સહિતનું વરસાદનું પાણી જળાશયો કે ડેમમાં ભળશે તો માછલીઓ અને પાણીમાં રહેતા અન્ય જીવોને પણ ખતરો હોવાનું મનાય છે.
હાઇડ્રોલોજીસ્ટ અને પ્રોફેસર આશિષ શર્માએ જણાવ્યું હતું કે પ્રદુષિત થયેલા પાણીને શુદ્ધ કરવામાં આવશે અને તે પાણી પીવા લાયક રહેશે.
ઉલ્લેખનીય છે કે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં દુકાળ પડતા જળાશયોમાં પાણીને સંગ્રહ લગભગ 43 ટકા જેટલો ઓછો થઇ ગયો છે જે વર્ષ 2004 બાદનો સૌથી ઓછું પ્રમાણ છે.
વરસાદથી વાતાવરણ ધૂંધળુ, રસ્તા પર ધ્યાન રાખવું
બ્યૂરો ઓફ મેટોરોલોજીની ચેતવણી પ્રમાણે, વરસાદના કારણે વાતાવરણ ધૂંધળું થઇ શકે છે. આ ઉપરાંત, ઢોળાવો ધરાવતા વિસ્તારોમાં રસ્તા ચીકણા થતા વાહન ચલાવતા સાવચેતી રાખવા પણ જણાવાયું છે.