સમગ્ર ઓસ્ટ્રેલિયાએ હાલમાં ઇતિહાસના સૌથી ભયાનક બુશફાયરનો સામનો કર્યો છે ત્યારે વિવધ સંસ્થાઓ, સેલિબ્રેટીસ દ્વારા આપદામાં અસર પામેલા લોકોને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજના સભ્યોએ પણ અસરગ્રસ્તો માટે રાહતસામગ્રી એકઠી કરવા ઉપરાંત દાન તથા પ્રાર્થનાસભાનું આયોજન કરીને પોતાનું યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં કરવામાં આવેલા રાહત કાર્યક્રમો પર એક નજર...
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી - કેનબેરા ખાતે ગુજરાતી સમાજ ઓફ ACT એ તાજેતરમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. તેમાં એકઠું થયેલું નાણા ભંડોળ તેમણે બુશફાયર રિલીફ ફંડમાં આપવાની જાહેરાત કરી હતી.
Source: Supplied
મેલ્બર્ન
મેલ્બર્ન સ્થિત ગુજરાતી સમાજના સભ્યોએ વિક્ટોરિયામાં આવેલા બુશફાયરના અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી એકઠી કરી તેને રિલીફ માટે કાર્ય કરતી સંસ્થાઓ સુધી પહોંચાડી હતી. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતી સમાજના સભ્યોએ લગભગ 800 કિલોગ્રામ જેટલી સામગ્રી ભેગી કરી હતી અને નજીકના સેન્ટર સુધી પહોંચાડી હતી.
બીજી તરફ, કાર્ડિના ગુજરાતી સમાજના સભ્યો, વૈષ્ણવ સંઘ ઓફ મેલ્બર્ન, રાજપૂત એસોસિયેશન ઓફ મેલ્બર્ન દ્વારા બુશફાયર અસરગ્રસ્તો માટે પાણીની બોટલોનું દાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સંસ્થાના સ્વયંસેવકોએ કપડા, ખાદ્યસામગ્રી અને કરિયાણા જેવી વસ્તુઓ એકત્રિત કરવા અને તેને પેક કરવામાં સેવા આપી હતી.છેલ્લા બે દિવસથી વિક્ટોરિયા રાજ્યમાં હવામાં પ્રદુષણનું પ્રમાણ વધતા સંસ્થાએ P2 માસ્ક પણ એકત્રિત કરીને તેને બુશફાયર અસરગ્રસ્તો સુધી પહોંચાડ્યા હતા.
Source: Supplied
સંસ્થાના સભ્ય બ્રિજલ પરીખે તમામ વસ્તુઓ, રાહતસામગ્રી પોતાના ઘરે એકત્રિત કરીને તેને સ્વયંસેવકોની મદદથી રિલીફ સેન્ટર સુધી પહોંચાડી હતી.
મેલ્બર્ન સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે બુશફાયરના અસરગ્રસ્તો માટે વિવિધ ખાદ્યસામગ્રી ભેગી કરીને વહેંચી હતી.
પર્થ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ સ્થિત હિન્દુ સ્વયંસેવક સંઘ અને હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ ગુજરાતી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સહયોગથી બુશફાયરનો ભોગ બનેલા લોકોને મદદ કરવાના આશયથી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. જેમાં 26મી જાન્યુઆરી સુધી દાન આપી શકાશે અને ત્યાર બાદ એકઠું થયેલું ભંડોળ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રાહતકાર્યોમાં અપાશે.સિડની
Source: Supplied
સિ઼ડની સ્થિત સિનિયર સિટીઝન ગ્રૂપ દ્વારા હેરિસ પાર્ક ખાતેના ગાર્ડનમાં તાજેતરમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બુશફાયરમાં મૃત્યુ પામેલા પશુ - પક્ષીઓ અને લોકોને ભજન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમ સંસ્થાના પ્રમુખ હર્ષદભાઇ ઠક્કરે જણાવ્યું હતું.