ફેર વર્ક ઓમ્બુડ્સમાને સિડની સ્થિત બિઝનેસ કન્સલ્ટન્સી કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જૂનથી સપ્ટેમ્બર 2020 દરમિયાન આ સંસ્થામાં નોકરી કરનારા કર્મચારી દ્વારા મદદ માટે અરજી મળ્યા બાદ કાર્યવાહીનો પ્રારંભ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ફેર વર્ક ઇન્સ્પેક્ટરે SNS Group ને માર્ચ 2021માં ક્લાર્ક (ખાનગી ક્ષેત્ર) એવોર્ડ 2020 અને નેશનલ એમ્પલોયમેન્ટ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે ચૂકવણી ન થતા બે નોટિસ ફટકારી હતી.
કર્મચારી ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરતો ભારતીય મૂળનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે. તેને લઘુત્તમ વેતન તથા વાર્ષિક રજાઓ મળી ન હોવાની માહિતી મળી છે.
ફેર વર્ક ઓમ્બુડ્સમાન સાન્દ્રા પાર્કરે જણાવ્યું હતું કે, કોવિડ-19ની મહામારી દરમિયાન કાર્યસ્થળે લાગૂ નિયમોનું ઉલ્લંઘન કરનારા નોકરીદાતા અને વેપાર - ઉદ્યોગો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અને, કોર્ટ દ્વારા તેમને દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
મળેલી નોટિસનો સંતોષકારક જવાબ ન આપવા બદલ સંસ્થાને 33,300 ડોલરનો દંડ થઇ શકે છે આ ઉપરાંત, પે-સ્લિપમાં નિયમોના ભંગ બદલ 66,000 ડોલર સુધીનો દંડ થઇ શકે છે.
આ ઉપરાંત ફેર વર્કે કંપની સામે ઓછી ચૂકવણીની ભરપાઇ, વ્યાજ તથા સુપરએન્યુએશન સહિતની બાબતોનો નિકાલ લાવવા માટે પણ કોર્ટને અપીલ કરી છે.
સિડનીની ફેડરલ સર્કિટ અને ફેમિલી કોર્ટમાં આ બાબતની સુનવણી 26મી નવેમ્બર 2021ના રોજ હાથ ધરાશે.
નોકરીદાતા તથા કર્મચારીઓ નોકરી તથા વેતન સંબંધિત હકો અને ફરજો વિશે વધુ માહિતી માટે www.fairwork.gov.au અથવા Fair Work Infoline નો 13 13 94 પર સંપર્ક કરી શકે છે.