સિડનીના લિવરપુલ વિસ્તારમાં આવેલી એક ભારતીય રેસ્ટોરન્ટને કોરોનાવાઇરસને લગતા નિયમોના ઉલ્લંઘન બદલ 11,000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કસ્ટમર સર્વિસ ન્યૂ સાઉથ વેલ્સ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયોએ કોવિડ-19ના નિયમોનું પાલન કરવું પડશે અને જો તેમ નહીં કરવામાં આવે તો તેમને જંગી દંડ થઇ શકે છે.
લિકર એન્ડ ગેમિંગ ઇન્સ્પેક્ટરે સિડનીના લિવરપુલ વિસ્તારમાં આવેલી ચેન્નાઇ કિચન રેસ્ટોરન્ટની 4 નવેમ્બર 2020ના રોજ મુલાકાત લીધી હતી.
જેમાં રેસ્ટોરન્ટ દ્વારા રાજ્યમાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લાગૂ કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં...
- ગ્રાહકોની નોંધ રાખવા માટે QR code અથવા કોઇ ફોર્મ અમલમાં હતું નહીં.
- અવધિ સમાપ્ત થઇ ગઇ હોય તેવો સેફ્ટી પ્લાન લગાવવામાં આવ્યો હતો.
- ટેબલ વચ્ચે યોગ્ય અંતર રાખવામાં આવ્યું નહોતું.
નિયમોના ઉલ્લંઘન બાદ રેસ્ટોરન્ટના માલિકને તાત્કાલિક 1000 ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ આ બાબતને કોર્ટમાં લઇ જવાઇ હતી.
કોર્ટે કોવિડ-19 સાથે સંકળાયેલા જાહેર આરોગ્યના આદેશોના ઉલ્લંઘનની ગંભીરતા સમજી હતી.
29મી માર્ચ 2021ના રોજ ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટે માલિકને દોષિત ઠેરવીને 11,000 ડોલરનો દંડ કર્યો હતો.
લિકર એન્ડ ગેમિંગ ડીરેક્ટર ઓફ કમ્પાયન્સ ડીમિત્રી આર્ગેરેસે જણાવ્યું હતું કે, વેપાર – ઉદ્યોગો કોવિડ-19ના આદેશોનું પાલન કરે છે કે કેમ તેની ઇન્સ્પેક્ટર હજી પણ તપાસ કરે છે.
રેસ્ટોરન્ટ કોવિડ સેફ્ટીના આદેશો અનુસરવામાં નિષ્ફળ રહી હોવાના કારણે તેને 11,000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમ ઇન્સ્પેક્ટરે ઉમેર્યું હતું.
ન્યૂ સાઉથ વેલ્સમાં મોટાભાગના કોરોનાવાઇરસના કેસ હોસ્પિટાલિટીના સ્થળોમાંથી જ ફેલાઇ રહ્યા છે. તેથી રેસ્ટોરન્ટ્સ આ કોવિડ સેફ્ટી પ્લાન અમલમાં મૂકે તે જરૂરી છે.
છેલ્લા કેટલાક સમયમાં વેપાર – ઉદ્યોગો માટે કોવિડ સેફ્ટી પ્લાનના આદેશો બદલાયા છે પરંતુ હજી પણ ગ્રાહકોની માહિતી એંકઠી કરવી જરૂરી છે જેથી જો કોઇ પોઝીટીવ કેસ દ્વારા તેની મુલાકાત લેવામાં આવી હોય તો અન્ય ગ્રાહકોનો સંપર્ક કરી શકાય.