ફેરવર્ક ઓમ્બુડ્સમાને ફેડરલ સર્કિટ કોર્ટમાં મેલ્બર્ન સ્થિત ફૂડ ટ્રેલર અને ટ્રક બનાવતી કંપની સામે ફરિયાદ નોંધાવી છે.
તે વેપાર સામે કર્મચારીઓને ઓછું વળતર આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, કંપનીમાં શીટ મેટલ કર્મચારી તરીકે કાર્ય કરનારા ભારતીય મૂળના વિસાધારકે ફેર વર્ક ઓમ્બુડ્સમાનમાં ઓછા વળતર અંગે ફરિયાદ કરી હતી.
ફેરવર્કના ઇન્સ્પેક્ટરે એપ્રિલ 2020માં મોબાઇલ ફૂડ વાન્સ એન્ડ ટ્રક્સ પ્રાઇવેટ લિમીટેડને એક નોટિસ આપી હતી.
જેમાં તેની પર વ્હીકલ મેન્યુફેક્ચરીંગ, રીપેર, સર્વિસ એન્ડ રીટેલ એવોર્ડ 2010 પ્રમાણે કર્મચારીઓને નિયમ અનુસાર વેતન અપાયું ન હોવાનું આરોપ લગાવાયો હતો.
ઇન્સ્પેક્ટરના માનવા પ્રમાણે, તે કર્મચારીને મે તથા જૂન 2018 અને માર્ચથી ઓગસ્ટ 2019 દરમિયાન તેણે કરેલા કલાકો અનુસાર લઘુત્તમ વેતન, ઓવરટાઇમ તથા વાર્ષિક રજાઓમાં ઓછી ચૂકવણી કરવામાં આવી હતી.
તે કંપની નિર્ધારીત સમય મર્યાદામાં નોટિસનો જવાબ તથા ગણતરી કરીને તે કર્મચારીને બાકીની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી છે.
ફેર વર્ક ઓમ્બુડ્યમાન તરફથી સાન્દ્રા પાર્કરે જણાવ્યું હતું કે જે કંપની નિયમો આધારીત કર્મચારીઓને વેતન નહીં આપે તથા નિયમોનું પાલન નહીં કરે તેની સામે કોર્ટ કેસ કરવામાં આવશે.
ત્યાર બાદ કોર્ટ તે વેપાર - ઉદ્યોગને કર્મચારીઓને બાકીનું વેતન આપવાનો તથા દંડ ભરવાનો આદેશ કરી શકે છે.
કોઇ પણ કર્મચારીને જો એમ લાગે કે તેમને નિયમ અનુસાર વેતન મળ્યું નથી તો તેમણે ફેર વર્ક ઓમ્બુડ્સમાનનો સંપર્ક કરવો તેમ સાન્દ્રા પાર્કરે ઉમેર્યું હતું.
કંપનીને 31,500 ડોલર તથા માલિકને 6300 ડોલર સુધીનો દંડ થઇ શકે છે.
નોકરીદાતા કે કર્મચારી તેમના હકો અને જવાબદારીઓ વિશે 13 13 94 પર સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકે છે.