વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં રહેતા એક ભારતીય વિદ્યાર્થીનું કૂગી બિચ ખાતે ડૂબી જતા મૃત્યુ થયું છે.
મળતી માહિતી પ્રમાણે, ઘટના મંગળવારે બની હતી. જેમાં 33 વર્ષીય મૂળ ભારતના કેરાલા રાજ્યના કેવિન કેરિયાટ્ટીનું મોત નિપજ્યું હતું.
કેવિન દરિયામાં ડૂબ્યો તેની તેના મિત્રને જાણ થતા તાત્કાલિક મદદ માટે બચાવદળને જાણ કરવામાં આવી હતી.
SBS Malayalam સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું હતું કે જ્યારે તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો.
તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
કેવિન પર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી હતો
કેવિન પર્થમાં આવેલી એડિથ કોવન યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટનો વિદ્યાર્થી હતો.
તે હાલમાં કોર્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
કેવિનના પત્ની તથા બાળક હાલમાં કેરાલામાં રહે છે.
ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સંસ્થાના એક સભ્યએ SBS Gujarati ને જણાવ્યું હતું કે ભારત સ્થિત તેનો પરિવાર તેના મૃત્યુ બાદ ભારે શોકમાં છે અને કેવિન સાથે ઘટના ઘટી હોય તે સ્વીકારવા તૈયાર નથી.
ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ વિવિધ સામુદાયિક સંસ્થાની મદદથી તેનું મૃત શરીર વતન મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.