ગોલ્ડ કોસ્ટ ખાતે આવેલી એક હોટલના 40મા માળેથી પડી જતા એક ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે.
વિવિધ માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલ પ્રમાણે, વિક્ટોરીયાના 36 વર્ષીય પ્રવાસી ગોલ્ડ કોસ્ટ ખાતે આવેલી હિલ્ટન સર્ફર્સ પેરેડાઇસના 40 મા માળ પરથી શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ પડી ગયા હતા.
તેઓ રજાઓ માણવા માટે પરીવાર સાથે વિક્ટોરીયાથી ગોલ્ડ કોસ્ટ ગયા હતા.
માનવામાં આવી રહ્યું છે કે શેમ્પેઇનની બોટલ ખોલતી વખતે હોટલના રૂમની ગેલેરીની છત ગંદી થયા બાદ તેઓ ખુરશી પર ચડીને તે સાફ કરી રહ્યા હતા અને ત્યાંથી સમતુલન ગુમાવતા નીચે પડ્યા હતા.
મૃતક વર્ષ 2005માં ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. અને પત્ની તથા એક દિકરી સાથે વિક્ટોરીયામાં રહેતા હતા.
ગોલ્ડ કોસ્ટ બુલેટીનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે, ભારતમાં રહેતા મૃતકના પરિવારજનોએ ઓસ્ટ્રેલિયન સરકારને તેમનું પાર્થિવ શરીર ભારત પરત મોકલવાની વિનંતી કરી છે.
મૃતક ઓસ્ટ્રેલિયાના નાગરિક હતા પરંતુ તેમના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો ભારતીય હોવાના કારણે કોરોનાવાઇરસના વર્તમાન પ્રતિબંધોની પરિસ્થિતીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી શકે તેવી સ્થિતીમાં નથી. તેમ પરિવારના એક સભ્યે જણાવ્યું હતું.
ક્વિન્સલેન્ડ પોલીસના પ્રવક્તાએ આઘાતજનક ધટના બાદ કોરોનર માટે એક રીપોર્ટ તૈયાર કરવા અંગે જણાવ્યું હતું.
ઘટના બાદ સર્ફર્સ પેરેડાઇસ વિસ્તારમાં આવેલા નાઇટક્લબ્સને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હતા.
આ હોટલ ખાતે બે વર્ષના ગાળામાં બીજી આઘાતજનક ઘટની બની છે.
ડીસેમ્બર 2019માં સ્કૂલમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીનું હોટલના 42મા માળ પરથી પડી જવાના કારણે મૃત્યુ થયું હતું.